વિંછીયા તાલુકાના મોઢુકા ગામની ઉમટ વીડી વિસ્તારમાંથી ચિંકારા હરણનો શિકાર કરવા બદલ ફોરેસ્ટ વિભાગે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ફોરેસ્ટ વિભાગે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી, જેમાં આરોપીઓ પાસેથી શિકાર કરાયેલું હરણ અને બે દેશી બંદૂકો મળી આવી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે આ બંને વ્યક્તિઓ શિકાર કરાયેલા ચિંકારા હરણ અને બે હાથ બનાવટની દેશી બંદૂકો સાથે મળી આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ મોઢુકા ગામના વલ્લભ કમી જાળીયા અને મગન ખાવડીયા તરીકે થઈ છે.
પ્રાથમિક પૂછપરછમાં બંનેએ દેશી બંદૂક વડે ચિંકારા હરણનો શિકાર કર્યાની કબૂલાત કરી હતી. ફોરેસ્ટ વિભાગે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી બે દેશી બંદૂકો કબજે લીધી છે. આ મામલે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી છે.
