ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનું ડિમોલિશન શરૂ

ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 3,700 થી પણ વધુ જર્જરિત મકાનો ઝળુંબતા મોત સમાન ઊભા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતનગરમાં અતિશય…

ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 3,700 થી પણ વધુ જર્જરિત મકાનો ઝળુંબતા મોત સમાન ઊભા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતનગરમાં અતિશય જોખમી મકાનોને અગાઉથી જ નોટિસ આપી, તમામ કનેક્શનો કાપીને મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. આખરે તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરીને 40 જેટલા જર્જરિત મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત થઈ ગયેલા મકાનોનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકા (કોર્પોરેશન) અને ગુજરાત હાઉસિંગ બોર્ડ વચ્ચે જવાબદારીની ખેંચતાણ તેમજ બંને વહીવટી તંત્રો વચ્ચે સંકલનનો અભાવ પણ વારંવાર સપાટી પર આવ્યો છે. જોકે, આ વખતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ચોમાસા પહેલાં જ શહેરના તમામ જર્જરિત મકાનોને ખાલી કરવા માટેની નોટિસ ફટકારી દેવામાં આવી હતી.તેમ છતાં કેટલાક રહીશો દ્વારા મકાન ખાલી નહીં કરાતા, તંત્ર દ્વારા આ અતિશય જર્જરિત મકાનોના નળ, ગટર અને વીજ જોડાણો કાપી નાખવાની ફરજ પડી હતી.

આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. જેમ જેમ બાકીના મકાનો ખાલી થતા જશે, તેમ તેમ હાઉસિંગ બોર્ડ દ્વારા અતિશય જોખમી મકાનોને તોડી પાડવાની કામગીરી આગળ ધપાવવામાં આવશે.ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશનની શરૂૂ કરાયેલી આ કડક કાર્યવાહી અંતર્ગત આગામી દિવસોમાં શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા મારુતિનગર, શિવનગર અને કૈલાશનગર વિસ્તારના કુલ 7 જેટલા બ્લોકના વધુ 85 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ, ભરતનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત મકાનોને તોડવાની કામગીરી શરૂૂ કરાતા જ સ્થાનિક રહીશોમાં ચિંતા અને આક્રોશ વ્યાપી ગયો છે. કૈલાશનગરના રહીશો મોટી સંખ્યામાં એકઠા થઈને કલેક્ટર કચેરી ખાતે દોડી ગયા હતા. જ્યાં તેમણે તંત્ર સમક્ષ ચોમાસાની ઋતુમાં ઘરવિહોણા થવાને બદલે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે આક્રોશભેર રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *