જામનગરમાં બાળકોના ઝઘડામાં માથાકૂટ, ધોકા મારી વૃધ્ધની હત્યા

જામનગરના સેતાવાડ વિસ્તારમાં બાળકોને ઘરની બહાર રમવા દેવા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતાં મારામારીમાં એક આધેડનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યા માં…

જામનગરના સેતાવાડ વિસ્તારમાં બાળકોને ઘરની બહાર રમવા દેવા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતાં મારામારીમાં એક આધેડનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યા માં પલટાયો છે. નાના બાળકો સાથે બોલાચાલી કરી મરચાંની ભૂકી ઉડાડવા બાબતે સમજાવવા ગયેલા ઈબ્રાહીમભાઈ સીદીકભાઈ ચાકીને પાડોશી મહિલાએ પોતાના પુત્રને સંબોધીને ‘આને પતાવી દે’ તેમ કહેતાં પુત્ર અમન અસલમભાઈ ઘાંચીએ લાકડાના ધોકાથી ઈબ્રાહીમભાઈના માથાના પાછળના ભાગે એક ઘા માર્યો હતો. ગંભીર ઇજાને પગલે તેઓ ઢળી પડ્યા હતા અને હોસ્પિટલમાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસ ફરિયાદ મુજબ, તા.29ની સાંજે સાતેક વાગ્યાના અરસામાં સેતાવાડ વિસ્તારમાં ઈબ્રાહીમભાઈના ભત્રીજા સહિત નાના બાળકો ઘર સામે રમી રહ્યા હતા. આ દરમિયાન પડોશમાં રહેતાં હવાબેન અસલમભાઈ ઘાંચી બાળકો સાથે બોલાચાલી કરી મરચાંની ભૂકી ઉડાડતાં હતાં. તે સમયે ઈબ્રાહીમભાઈ નમાઝ પઢીને પરત આવ્યા હતા અને હવાબેનને બાળકોને કેમ હેરાન કરો છો, તેમ કહી સમજાવતાં બંને વચ્ચે બોલાચાલી શરૂૂ થઈ હતી. બોલાચાલી દરમિયાન હવાબેને પોતાના પુત્ર અમનને બોલાવી ઈબ્રાહીમભાઈને પતાવી દેવા કહ્યું હતું. ત્યારબાદ અમને દિવાલ પાસે પડેલો લાકડાનો ધોકો લઈ ઈબ્રાહીમભાઈના માથાના પાછળના ભાગે એક ઘા મારતાં તેઓ નીચે ઢળી પડ્યા હતા.

બનાવ બાદ અમન ધોકો લઈને નાસી ગયો હતો, જ્યારે હવાબેન પોતાના ઘરે જતાં રહ્યાં હતાં. ગંભીર રીતે ઘવાયેલા ઈબ્રાહીમભાઈને પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબે તપાસીને માથામાં થયેલી ગંભીર ઇજાના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર સાદીક ઈબ્રાહીમભાઈ ચાકીની ફરિયાદના આધારે પાડોશી માતાપુત્ર હવાબેન અસલમભાઈ ઘાંચી અને અમન અસલમભાઈ ઘાંચી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. સીટી એ. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલસિંહ ડોડીયા સૌપ્રથમ બનાવના સ્થળે અને ત્યારબાદ સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *