સરકીટ હાઉસ અથવા મહાનગરપાલિકામાં વ્યક્તિગત મુલાકાતનો પણ ગોઠવાતો તખતો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી શુક્રવારે સાંજે 5:00 વાગ્યે રાજકોટ પધારી રહ્યા છે. કરોડો રૂૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખારમુર્હત કરવાના છે, ત્યારે ગાંધીનગરના ઉચ્ચ વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટરો સાથે મુલાકાત પણ કરશે. આ બેઠક સર્કિટ હાઉસ અથવા કોર્પોરેશન ખાતે યોજાવાની શક્યતા છે અને તેનો અંતિમ કાર્યક્રમ આજે સાંજ સુધીમાં ફાઇનલ થઈ જશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોર્પોરેશનના તમામ કોર્પોરેટરો સાથે વ્યક્તિગત મુલાકાત કરશે.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની વચ્ચે રહેવાનો અને પ્રજાના પ્રશ્નોને સીધા સાંભળવાનો હોવાનું મનાય છે. જોકે, સૂત્રો એ પણ સંકેત આપી રહ્યા છે કે મુખ્યમંત્રી ઘણા કોર્પોરેટરોના ક્લાસ લઈ શકે છે.
રાજકોટ કોર્પોરેશનને લગતી અનેક ફરિયાદો મુખ્યમંત્રી સુધી પહોંચી હોવાથી આ બેઠકમાં તેઓ કોર્પોરેટરોને કેટલાક મહત્વપૂર્ણ પાઠ ભણાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો વીડિયો વાયરલ થયા બાદ પીજીવીસીએલના અધિકારીઓએ ગાંધીનગર સુધી રજૂઆતો કરી હતી. આ ઉપરાંત, અગાઉ પણ મેયર સહિતના નેતાઓએ ઘણા સવાલો ઉઠાવ્યા હતા.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીની કોર્પોરેટરો સાથેની બેઠક ઘણી મહત્વપૂર્ણ બની રહેશે. આ બેઠકમાં શહેરી વિકાસ, પ્રજાલક્ષી કાર્યોમાં પારદર્શિતા, અને વહીવટી સુધારા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. મુખ્યમંત્રી કોર્પોરેટરોને પ્રજાની સેવા માટે વધુ જવાબદારી પૂર્વક કામ કરવા અને ભ્રષ્ટાચારથી દૂર રહેવા માટે સૂચનાઓ આપી શકે છે.
શુક્રવારે રૂા.557 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
આગામી શુક્રવારે રાજકોટ આવી રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના એક કલાકના રોકાણ દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લાના રૂા.557 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
આ વિકાસ કાર્યોમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રૂૂડા કચેરી, જેટકો, પાણી પુરવઠા, આરોગ્ય, જસદણ તાલુકા કચેરી, સ્પોર્ટ્સ સંકુલના કામો સહિતના અનેક પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળે લાભાર્થીઓ અને લોકોને લાવવા-લઈ જવા માટે 14 જેટલી એસ.ટી. બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ભાગ લઈ શકે. દરમિયાન, મળતી વિગતે મુજબ, રાજકોટ કલેક્ટરે મુખ્યમંત્રીના પ્રવાસને લગતી તૈયારીઓ માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે. રાજકોટ હિરાસર એરપોર્ટ, રાજકોટનું જૂનું એરપોર્ટ, રૈયા રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ તેમજ અન્ય કોઈ પણ જગ્યાએ મુખ્યમંત્રી જાય ત્યાંના કાર્યક્રમ સંદર્ભે લગભગ 100 થી વધુ સ્ટાફના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં તમામ મામલતદારો તથા ત્રણથી ચાર જેટલા પ્રાંત અધિકારીઓ પણ આવરી લેવાયા છે.
