સંજુ સેમસનની 48 અને ડેવાલ્ડ બ્રેવિસની 41 રનની ઇનિંગ, કોલકાતા પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને
ઓપનર સંજુ સેમસનના 48, ડેવાલ્ડ બ્રેવિસના 41 રન તેમજ અન્ય બેટ્સમેનોના સાતત્યપૂર્ણ દેખાવ અને સ્પિનર નૂર અહેમદની આગેવાનીમાં બોલરોના શાનદાર પ્રદર્શનના સહારે ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 32 રને પરાજય આપી આ સીઝનની બીજી જીત મેળવી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 192 રન બનાવ્યા હતા.
જેના જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સ 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 160 રન બનાવી શકી હતી. આ સાથે કોલકાતા નાઇટ રાઇડર્સને પાંચ મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંજાબ સામેની મેચ વરસાદને કારણે ધોવાતાં એક પોઇન્ટ મળ્યો હતો. આમ કોલકાતા નાઇટ રાઇડર્સ પાંચ મેચમાં એક પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન અને ઓપનર ઋતુરાજ ગાયકવાડ હાથ ખોલે તે પહેલાં જ અનુકૂલ રોયે રોવમેન પોવેલના હાથે કેચ કરાવી કોલકાતા નાઇટ રાઇડર્સને પ્રથમ સફળતા અપાવી હતી. દિલ્હી સામેની ગત મેચમાં સદી ફટકારનારા સંજુ સેમસન અને યુવા ખેલાડી આયુષ મ્હાત્રેએ ત્યારબાદ ટીમને સંભાળવાનો પ્રયાસ કરતાં પાવર પ્લેમાં ટીમનો સ્કોર 72 રને પહોંચાડ્યો હતો. જોકે, મ્હાત્રે 38 રન બનાવી વૈભવ અરોરાનો શિકાર બન્યો હતો. સંજુ સેમસને ત્યારબાદ ડેવાલ્ડ બ્રેવિસ સાથે મળી સ્કોર 100 રનની પાર પહોંચાડ્યો હતો. સંજુ સેમસન પોતાની અર્ધી સદીથી માત્રે 2 રન દૂર હતો ત્યારે કાર્તિક ત્યાગીએ બોલ્ડ કરતાં ચેન્નઈ સુપર કિંગ્સે ત્રીજી વિકેટ ગુમાવી હતી.
બ્રેવિસનો સાથ આપવા આવેલા સરફરાઝ ખાને સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું પરંતુ તેને સુનિલ નારાયણે અંગત 23 રનના સ્કોરે પેવેલિયન મોકલી કોલકાતા નાઇટ રાઇડર્સને ચોથી સફળતા અપાવી હતી. બ્રેવિસ પણ 41 રન બનાવી 18મી ઓવરમાં આઉટ થયો હતો. તે વખતે ટીમનો સ્કોર 171 રન હતો. અંતિમ 15 બોલ બાકી હતા ત્યારે મેદાને શિવમ દુબે અને જેમી ઓવરટન મેદાને હતા ત્યારે ચેન્નઈ 200 રનનો સ્કોર પાર કરી લેશે તેવું લાગી રહ્યું હતું પરંતુ 21 રન જ આવતાં ચેન્નઈએ 20 ઓવરના અંતે પાંચ વિકેટ ગુમાવી 192 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી કાર્તિક ત્યાગીએ 2 જ્યારે સુનિલ નારાયણ, વૌભવ અરોરા અને અનુકૂલ રોયને 1-1 સફળતા મળી હતી. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સના ઓપનર ફિન એલન અને સુનિલ નારાયણ પાસે ટીમને સારી શરૂૂઆતની આશા હતી પરંતુ એલન એક રન બનાવી આઉટ થયો હતો. નારાયણ આક્રમક બની રહ્યો હતો પરંતુ ખલીલે તેને અંગત 24 રને આઉટ કરતાં કોલકાતાએ 29 રનમાં બંને ઓપનર ગુમાવી દીધા હતા.
કેપ્ટન રહાણે અને અંગક્રિશ રઘુવંશી ટીમને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અકિલ હુસેને રઘુવંશીને આઉટ કરી ચેન્નઈને ત્રીજી સફળતા અપાવી હતી. કોલકાતાનો સ્કોર 85 રન થયો ત્યારે નૂર અહેમદ ત્રાટક્યો હતો. તેણે 11મી ઓવરના પાંચમા બોલે કેપ્ટન રહાણેને ગાયકવાડના હાથે કેચ કરાવ્યો હતો અને તેના બીજા જ બોલે મેદાને આવેલા કેમરૂૂન ગ્રીનને બોલ્ડ કરતાં કોલકાતાની અડધી ટીમ પેવેલિયન પરત પહોંચી ચૂકી હતી. રિંકુ સિંઘ પાસે ટીમને આશા હતી પરંતુ 89 રનના સ્કોરે નૂર અહેમદે આઉટ કરી કોલકાતા નાઇટ રાઇડર્સને બેકફૂટ પર ધકેલી દીધું હતું. છેલ્લી છ ઓવરમાં કોલકાતાને જીત માટે 93 રનની જરૂૂર હતી ત્યારે રોવમેન પોવેલ અને રમનદીપ અર્ધ શતકીય ભાગીદારી નોંધાવી હતી પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહોતા. ચેન્નઈ તરફથી નૂર અહેમદે 4 ઓવરમાં 21 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
