મેડિકલમાં તોડફોડ પ્રકરણમાં આરોપીઓને તાત્કાલિક પકડવા કેમિસ્ટ એસો.ની સી.પી.ને રજૂઆત

રાજકોટ શહેરની કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના જાણીતા દેવપુષ મેડિકલ સ્ટોરમાં રવિવારના રોજ રાત્રિના આશરે…

રાજકોટ શહેરની કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના જાણીતા દેવપુષ મેડિકલ સ્ટોરમાં રવિવારના રોજ રાત્રિના આશરે 9:00 વાગ્યાના સુમારે અચાનક 6 અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. આ અસામાજિક શખ્સોએ મેડિકલ સ્ટોરમાં ઘૂસી અચાનક ગંભીર પ્રકારની તોડફોડ કરી ત્યાં હાજર લોકો પર હુમલો કર્યો હતો.

હુમલાખોરોએ સ્ટોરમાં રહેલા 12 કોમ્પ્યુટર, 4 સીસીટીવી કેમેરા, 1 ટીવી તેમજ સ્ટોરની અન્ય કિંમતી મિલકતોને તોડી પાડીને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ હિંસક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના વેપારીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
આ અતિ ગંભીર બનાવને 60 કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં પણ હુમલાખોરો હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી, જે અત્યંત ચિંતાજનક બાબત છે. મેડિકલ સ્ટોર જેવી અતિ આવશ્યક સેવા સાથે સંકળાયેલી સંસ્થામાં આ પ્રકારે ખુલ્લેઆમ કરવામાં આવેલી તોડફોડ અને હિંસક હુમલાના કારણે વેપારીઓ તેમજ તેમના કર્મચારીઓમાં ભારે અસુરક્ષાની લાગણી ઊભી થઈ છે.

બનાવ બન્યાના દિવસો વિતવા છતાં આરોપીઓની અટકાયત ન થતાં સ્થાનિક વેપારી આલમમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં ’કેમિસ્ટ એસોસિએશન – રાજકોટ’ના પ્રમુખ મયુરસિંહ એસ. જાડેજા તથા માનદ્ મંત્રી અનિમેષભાઈ એમ. દેસાઈ દ્વારા રાજકોટ શહેરના માનનીય પોલીસ કમિશનર બ્રજેશ ઝાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને માંગ કરી છે કે સ્ટોરના તથા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, હુમલાખોરોના આવવા-જવાના માર્ગો અને વાહનો જેવા ટેકનિકલ પુરાવાઓની મદદથી તમામ આરોપીઓની ઓળખ કરી તેમની વહેલી તકે ધરપકડ કરવામાં આવે. આ ઉપરાંત હુમલા પાછળનો મુખ્ય હેતુ શોધી કાઢવા અને ભવિષ્યમાં મેડિકલ સ્ટોર ધારકો તેમજ અન્ય વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *