જૂનાગઢના ઈતિહાસમાં પ્રથમ વખત સોનાપુરી (સ્મશાન)માં રાત્રે યોજાયેલ ‘ભુતાવળ ડાયરા’માં શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં અને અંધાધુંધી ફેલાઈ જતાં પોલીસે દોડી જઈ ડાયરો બંધ કરાવવો પડયો હતો.
આ અનોખા ડાયરાને માણવા માટે જૂનાગઢના સ્થાનિક કલાકારો પણ પોતાની અદ્ભુત કલા પીરસવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ પ્રચંડ ભીડને કારણે સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે, ડાયરો માણવા આવેલા લોકોએ સોનાપુરીની આસપાસ અને મુખ્ય માર્ગો પર પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દીધા હતા.
વાહનોના આ અણઘડ પાર્કિંગના કારણે ભવનાથ તરફ જવા ઈચ્છતા યાત્રિકો અને પ્રવાસીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ હતી અને રસ્તાઓ પર કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિકની ગંભીરતા એ હદે વધી હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવવા નીકળેલી પોલીસની સરકારી ગાડીઓ પણ કલાકો સુધી આ ટ્રાફિક જામમાં અટવાઈ પડી હતી અને ભવનાથ તરફ જતા પ્રવાસીઓની ગાડીઓની લાંબી લાઈનો લાગી ગઈ હતી. સોનાપુરી ખાતે આટલા મોટા પાયે કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે શરૂૂઆતમાં ત્યાં સ્થાનિક ભવનાથ પોલીસની હાજરી જોવા મળી ન હતી. પોલીસની ગેરહાજરીના કારણે વાહનચાલકો પર કોઈ અંકુશ રહ્યો ન હતો અને ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની ગઈ હતી.
જ્યારે અચાનક હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા ત્યારે જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન આ બાબત પર ગયું હતું. ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક એક્શનમાં આવીને ભવનાથ પોલીસને ઘટનાસ્થળે પહોંચવા કડક આદેશો આપ્યા હતા, જેના કલાકો બાદ ભવનાથ પોલીસનો કાફલો સોનાપુરી ખાતે આવી પહોંચ્યો હતો અને વધુ ભીડને કારણે કોઈ પણ મોટી અઘટિત કે દુ:ખદ ઘટના ન ઘટે તે બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે રાત્રે 11 વાગ્યે જ આયોજકોને ડાયરો સદંતર બંધ કરી દેવાની ફરજ પાડી હતી,
