ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી જપ્ત કરાયેલા 3000 કિલો હેરોઈનના દેશના સૌથી મોટા ડ્રગ્સ કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED)એ આજે દિલ્હીમાં મોટી કાર્યવાહી કરી છે. ઇડીની ટીમોએ દિલ્હીના પાંચ અલગ-અલગ સ્થળોએ તાબડતોડ છાપેમારી કરી છે. આ કાર્યવાહી 21,000 કરોડ રૂૂપિયાની કિંમતના ડ્રગ્સ તસ્કરીના મની લોન્ડરિંગ નેટવર્ક અને તેમાંથી મેળવેલા નાણાના રોકાણની તપાસ માટે કરવામાં આવી છે.
સૂત્રો અનુસાર, તપાસ એજન્સીઓને મળેલા મહત્વના ઇનપુટ્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇડીએ ડ્રગ્સ તસ્કરીમાંથી મેળવેલા કાળા નાણાને વિવિધ સ્થળોએ સફેદ કરવામાં આવ્યા હોવાની તપાસ કરી રહી છે. ખાસ કરીને દિલ્હીના પ્રસિદ્ધ નાઈટ ક્લબોમાં આ પૈસાનું રોકાણ કરવામાં આવ્યું હોવાનો મજબૂત શક વ્યક્ત કરવામાં આવ્યો છે.
છાપેમારીનું મુખ્ય ધ્યાન હરપ્રીતસિંહ તલવાર અને શમસુદ્દીન સહિતના આરોપીઓ અને તેમના સહયોગીઓના સ્થળો પર રહ્યું છે. NIA એ અગાઉ હરપ્રીત સિંહ તલવારને ધરપકડ કરી હતી, જે તાજેતરમાં જામીન પર બહાર આવ્યો છે.
આ કેસ ભારતીય ઈતિહાસની સૌથી મોટી ડ્રગ્સ જપ્તીમાંથી એક છે. મુંદ્રા પોર્ટ પર 3000 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવી હતી. NIA અને ઇડી બંને આ કેસની તપાસ કરી રહ્યા છે NIA આતંકવાદી ફંડિંગના આંગળે અને ઇડી મની લોન્ડરિંગના આંગળે.
વર્ષ 2022ના ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન આ મામલાએ મોટો વિવાદ સર્જ્યો હતો. કોંગ્રેસે આને મોટો મુદ્દો બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની જગ્યાએ ‘ઈઝ ઓફ ડુઈંગ ડ્રગ્સ બિઝનેસ’ ચાલી રહ્યું છે.
