હવામાનમાં પલટો, દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં માવઠાની આગાહી, યલો એલર્ટ

  ગુજરાતમાં શિયાળાની ઋતુ હોવા છતાં હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને…

 

ગુજરાતમાં શિયાળાની ઋતુ હોવા છતાં હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા ’નાઉકાસ્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતના પાંચ મુખ્ય જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. આ જિલ્લાઓમાં સુરત, ભરૂૂચ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં તંત્ર દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં રાત્રે માવઠુ થયુ હતુ તો ભરૂૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આજે સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, માત્ર ત્રણ દિવસ પહેલા જ આ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો, અને આજે ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું છે.

હાલમાં જ્યારે શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાનું આગમન થઈ રહ્યું છે, ત્યારે અચાનક પડેલા આ વરસાદને કારણે બે ઋતુઓના બદલે જાણે ત્રીજી ઋતુ – ચોમાસુ બેસી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. વારંવાર થતા આ માવઠાને કારણે ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી સમયમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *