જીરાના પાકમાં ‘ચરમી’ રોગ આવવાની સંભાવના
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર હવામાન પલટાની ગંભીર આગાહી કરી છે. આ ફેરફાર જગતના તાત માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે તેમ તેમણે જણાવ્યું છે. એવી સ્થિતિ સર્જાઈ શકે છે જે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લે. આ બદલાવની સીધી અસર ખાસ કરીને કૃષિ ક્ષેત્ર અને પાક પર પડવાની ભીતિ છે.હાલમાં રાજ્યના વિવિધ ભાગોમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
18 ફેબ્રુઆરી બાદ એક હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. આ સિસ્ટમની અસર મેદાની વિસ્તારોમાં વર્તાશે અને વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કચ્છ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં વાદળોની અવરજવર વધી જશે.
બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ સિસ્ટમ વધુ મજબૂત બનીને વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવા સંકેતો છે. જો આ સિસ્ટમનો ભેજ અરબી સમુદ્રમાં પ્રવેશે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હલચલ વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેની અસર જોવા મળી શકે છે. 25 થી 28 ફેબ્રુઆરી દરમિયાન આહવા, વલસાડ, નવસારી અને સુરત જેવા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છાંટા પડવાની કે વાદળવાયુ રહેવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. આગામી બે-ત્રણ દિવસમાં આ ફેરફાર વધુ સ્પષ્ટ રીતે અનુભવાશે તેવું અનુમાન છે. વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે જીરાના પાકમાં ’ચરમી’ રોગ આવવાનો મોટો ભય છે. આ ઉપરાંત ઘઉંના પાકને પણ નુકસાન થવાની સંભાવના હોવાથી ખેડૂતો ચિંતિત છે.
