ગુજરાતના સ્ટેટ જીએસટી વિભાગે રાજયના તમાકુ તથા વાસણના ધંધા સાથે સંકળાયેલાં 83 જેટલાં સ્થળોએ વ્યાપક પ્રમાણમાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં દસ્તાવેજો કબ્જે લીધાં છે. જેમાં 13 વાસણના વેચાણ સાથે સંકળાયેલાં વેપારી તથા 70 તમાકુના ધંધા સાથે સંકળાયેલાં વેપારીઓ છે .
અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્રારા 14મી મે ના રોજ અમદાવાદ ખાતે આવેલાં વાસણના વેચાણ સાથે સંકળાયેલાં 13 વેપારીઓના ધંધાના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. વાસણના ધંધા સાથે સંકળાયેલાં વેપારી પેઢીઓની તપાસમાં બિલ વિના માલની ખરીદી અને વેચાણ થકી કરચોરીની મોડસ ઓપેરેન્ડી શોધી કાઢવામાં આવી છે. આ ઉપરાંત તપાસ દરમિયાન બિન હિસાબી સ્ટોક તેમ જ કાચું હિસાબી સાહિત્ય મળી આવ્યું છે.
આ ઉપરાંત તા. 15મી મે ના રોજ વિજાપુર, ઊંઝા તથા ઉનાવા ખાતે આવેલા તમાકુના વેપારીઓના 70 સ્થળોએ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તપાસની ઝીણવટપૂર્વક કામગીરી હાલ ચાલુ છે. રાજય જીએસટી વિભાગ સરકારની આવક સુરક્ષિત કરવા, સાચા કરદાતાોના હિતોનું રક્ષણ કરવા તેમ જ જીએસટી કાયદાનું અનુપાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબધ્ધ છે. ઉક્ત તપાસની કાર્યવાહીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અને ઉચ્ચકક્ષાએ તપાસની કાર્યવાહીનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
