ફાર્મસી કાઉન્સિલના ચેરમેન મોન્ટુ પટેલ પાસેથી તમામ અધિકારો પરત ખેચતું કેન્દ્ર

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ પાસેથી તમામ અધિકારોઓ પાછા ખેંચવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મસી કાઉન્સિલને આદેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં…

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ પાસેથી તમામ અધિકારોઓ પાછા ખેંચવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મસી કાઉન્સિલને આદેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આગામી દિવસોમાં કાઉન્સિલ દ્વારા લેવાતાં કોઇપણ પ્રકારના નીતિવિષયક નિર્ણયોમાં પણ તેને સામેલ ન કરવા માટે કડક તાકીદ કરવાની સાથે એક્શન ટેકન રિપોર્ટ સબમીટ કરવા પણ ફાર્મસી કાઉન્સિલને આદેશ કરાયો છે.

ફાર્મસી કાઉન્સિલમાં બેફામ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની ફરિયાદ બાદ સીબીઆઇ દ્વારા રેડ કરીને ચેરમેન મોન્ટુ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા તાકીદે ચેરમેન મોન્ટુ પટેલને દૂર કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં કૌભાંડી ચેરમેનને દૂર કરીને તેના સ્થાને તાકીદે નવા ચેરમેનની નિયુક્તિ કરવા પણ આદેશ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય સામે મોન્ટુ પટેલે કોર્ટમાં રિટ કરતાં જે તે સમયે સ્ટે આપવામાં આવ્યો હતો. સૂત્રો કહે છે કે, આ ઘટના બાદ ફાર્મસી કાઉન્સિલ દ્વારા લેવામાં આવતાં તમામ નિર્ણયોમાં ચેરમેન મોન્ટુ પટેલ હાજર રહેતો હતો. એટલું નહીં મહત્ત્વના અને નીતિ વિષયક નિર્ણયોમાં પણ ભાગ લેતો હતો.

આ મુદ્દે કેટલાક સભ્યોએ ઉચ્ચસ્તરે કરેલી ફરિયાદ બાદ અચાનક કેન્દ્ર સરકાર હરકતમાં આવી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને એક પત્ર મોકલીને એવી તાકીદ કરી હતી કે, મોન્ટુ પટેલની ફાર્મસી કાઉન્સિલની બેઠકમાં સક્રિય ભાગીદારી એ દિલ્હી હાઇકોર્ટે જામીન આપતી વખતે લગાવેલી શરતોનું પ્રથમદ્રષ્ટિએ સીધું ઉલ્લંઘન છે. આ પ્રકારની કામગીરીના કારણે માત્ર તપાસની નિષ્પક્ષતા પર જ નહીં પરંતુ ન્યાયિક પ્રક્રિયાની પારદર્શકતા પર પણ વિપરીત અસર પડવાની આશંકા છે. કાઉન્સિલના રજિસ્ટ્રાર કમ સેક્રેટરીને તાકીદે અગાઉ અપાયેલા આદેશોનું કડક પાલન કરીને એક્શન ટેકન રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવા માટે તાકીદ કરવામાં આવી છે.

સૂત્રો કહે છે કે, કેન્દ્ર સરકારની તાકીદ પછી હવે મોન્ટુ પટેલ ફાર્મસી કાઉન્સિલની કોઇપણ બેઠકમાં હાજરી આપી શકશે નહીં. એટલું જ નહીં હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલો સ્ટે માત્ર ચેરમેન તરીકે દૂર કરવો કે નહીં તેને લઇને છે, જેના કારણે બેઠકમાં હાજર રહેવાની મંજૂરી મળતી નથી. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા આદેશની નકલ સીબીઆઇ અને એન્ટી કરપ્શન શાખાને પણ મોકલી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *