હાઈકોર્ટમાં કેસોનું લીસ્ટિંગ ઝડપી બનાવવા આજથી નવી SOP લાગુ

ગુજરાત હાઈકોર્ટમાં કેસોના વધતા ભરાવાને પહોંચી વળવા અને લિસ્ટિંગની પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે માનનીય મુખ્ય ન્યાયાધીશ દ્વારા નવી ’મોડિફાઈડ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’…

ગુજરાત હાઈકોર્ટમાં કેસોના વધતા ભરાવાને પહોંચી વળવા અને લિસ્ટિંગની પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે માનનીય મુખ્ય ન્યાયાધીશ દ્વારા નવી ’મોડિફાઈડ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ (SOP) અમલી બનાવવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકા 5 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવી છે.

આ SOPમાં અનેક મુખ્ય ફેરફારો અને નવી જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે. નવી SOP મુજબ, રજિસ્ટ્રી દ્વારા કેસની નોંધણી (Filing/Stamp Number) માટે માત્ર ત્રણ બાબતોને જ ફરજિયાત (Mandatory) ગણવામાં આવશે:1. પિટિશન અથવા અપીલના મેમો પર સહી હોવી જોઈએ. 2. યોગ્ય રીતે સહી કરેલું અને એફિડેવિટ (Affidavit) ફાઈલ કરેલું હોવું જોઈએ. 3. તમામ પક્ષકારોની સહી વાળું અને એડવોકેટ દ્વારા સ્વીકારાયેલું વકીલાતનામું હોવું જોઈએ.

આ સિવાયના અન્ય વાંધાઓ (Objections) જેમ કે ઈન્ડેક્સ, કોર્ટ ફી, પેજિંગ વગેરેને ફાઈલિંગ નંબર મેળવવા માટે હાલ પૂરતા વૈકલ્પિક(Optional) ગણવામાં આવશે, જેથી કેસની પ્રાથમિક નોંધણી અટકે નહીં.
આ ઉપરાંત સમયમર્યાદા અને વહીવટી પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. વાંધા દૂર કરવાની મુદત સુધારવામાં આવી છે. વૈકલ્પિક વાંધાઓ દૂર કરવા માટે પક્ષકારોને 7 કામકાજના દિવસો આપવામાં આવશે. જો 4 અઠવાડિયા સુધી વાંધા દૂર ન થાય, તો મામલો રજિસ્ટ્રાર સમક્ષ અને ત્યારબાદ કોર્ટ સમક્ષ મુકવામાં આવશે. આ ઉપરાંત ફોન્ટ અને કાગળ વિષે સ્પષ્ટતા કરાઈ છે. અરજીમાં ફોન્ટની સાઈઝ 14 થી ઓછી ન હોવી જોઈએ અને તે અ4 સાઈઝના કાગળ પર હોવી જોઈએ. દરેક દસ્તાવેજ માટે અલગ એનેક્ષર નંબર આપવો પડશે. એકસાથે ઘણા દસ્તાવેજોને એક જ એનેક્ષરમાં જોડી શકાશે નહીં.

આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયિક પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને વકીલો તથા પક્ષકારોને પડતી મુશ્કેલીઓ ઘટાડવાનો છે. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ, આ નવી વ્યવસ્થાથી કેસોનું વહેલું લિસ્ટિંગ શક્ય બનશે અને કોર્ટના કામકાજમાં વધુ પારદર્શિતા આવશે. વધુમાં, જો કોઈ દસ્તાવેજ અસ્પષ્ટ કે ન વંચાય તેવો હોય, તો વકીલે તેની ટાઈપ કરેલી નકલ આપવાની બાહેંધરી આપવી પડશે, જેથી કોર્ટની કાર્યવાહીમાં અવરોધ ન આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *