T20 વર્લ્ડ કપ 2026માં યુએસએ સામે શાનદાર વિજય બાદ, ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે દિલ્હી સ્થિત તેમના ઘરે આખી ટીમને ડિનર માટે આમંત્રણ આપ્યું. આ બીજી વખત છે જ્યારે ગંભીરે ટીમ ઈન્ડિયાને ડિનર માટે આમંત્રણ આપ્યું છે. તેણે અગાઉ વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હીમાં રમાયેલ મેચ પહેલા શુભમન ગિલની આગેવાની હેઠળની ટેસ્ટ ટીમ માટે તેના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. જોકે, આ વખતે એક ખાસ દૃશ્ય જોવા મળ્યું. ગૌતમ ગંભીર ટીમ પહેલા પોતાની અંગત કારમાં ઘરે પહોંચ્યો, અને પછી આખી ટીમ ડિનર પાર્ટી માટે બસ દ્વારા પહોંચી.
ગંભીરે ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફનું વ્યક્તિગત સ્વાગત કરવા માટે આ કર્યું. તેની પત્ની અને બાળકો પણ ટીમના સ્વાગત માટે હાજર હતા. એવું માનવામાં આવે છે કે ડિનરનો હેતુ ટીમ બોન્ડીંગને મજબૂત બનાવવા અને મનોબળ વધારવાનો હતો. વિજયની ઉજવણી અને આગામી મેચોની તૈયારી વચ્ચે, આ નાનો મેળાવડો ખેલાડીઓ માટે ખૂબ જ ખાસ હતો. ટીમ આગામી 12 ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામિબિયા સામે ટકરાશે. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન અને 18 ફેબ્રુઆરીએ અમદાવાદમાં નેધરલેન્ડ સામે મેચ રમશે.
