ભાવનગર નજીક પીપળી પાસે ગમખ્વાર અને કરુણ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી ભાવનગર તરફ આવી રહેલી એક કારને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા કાર રોડ પરથી ફંગોળાઈને ખાળિયામાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં અમદાવાદના એક યુવાન દંપતીનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના સમાચાર મળતા જ ભાવનગર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના સામાજીક આગેવાન અને બિલ્ડર આરીફ કાલવાના પરિવારના સગા અમદાવાદ રહેતા બહેન-બનેવી પોતાના પરિવાર સાથે ખબર અંતર પૂછવા માટે ભાવનગર આવી રહ્યા હતા. તેઓ કારમાં સવાર થઈને ભાવનગર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે પીપળી નજીક પહોંચતા જ એક અજાણ્યા વાહને તેમની કારને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડ પરથી ફંગોળાઈને સીધી ખાળિયામાં પડી ગઈ હતી.
કાર ખાળિયામાં પડતા જ ચીસાચીસ મચી ગઈ હતી. વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ખાળિયામાં પડેલી કારમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ અકસ્માતમાં બહેનની દીકરી અને જમાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૃતક દંપતીની ઓળખ અમદાવાદના જુહાપુરામાં રહેતા નઝીરહુસેન અબ્દુલકાદિર મેમણ ઉંમર વર્ષ 32 અને આલ્ફીનાબેન નઝીરહુસેન મેમણ ઉંમર વર્ષ 26 તરીકે થઈ છે. યુવાન દંપતીના અકાળે મોતથી બંને પરિવારોમાં આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.આ જ અકસ્માતમાં ફાતિમાબેન નઝીરહુસેન મેમણ ઉંમર વર્ષ 8, શહેનાઝબેન મેમણ ઉંમર વર્ષ 61, સોબાનભાઈ સાકરવાળા ઉંમર વર્ષ 26 અને રેહાનાબેન સાકરવાળા ઉંમર વર્ષ 60 ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. ખબર અંતર પૂછવા આવેલા પરિવારને જ આ રીતે અકસ્માત નડતા કાલવા પરિવાર સહિત સમગ્ર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
