વિદેશી નાગરિક મંડળીનો સભ્ય રહી શકે કે નહીં?

ખાંડ નિયામકે કહ્યું કોઇ સ્પષ્ટ નિયમ નથી, હાઇકોર્ટમાં પહોંચેલો રસપ્રદ મામલો નવસારી જિલ્લાના ગણદેવી ખાંડ મંડળી સંબંધિત એક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રશ્ન ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત…

ખાંડ નિયામકે કહ્યું કોઇ સ્પષ્ટ નિયમ નથી, હાઇકોર્ટમાં પહોંચેલો રસપ્રદ મામલો

નવસારી જિલ્લાના ગણદેવી ખાંડ મંડળી સંબંધિત એક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રશ્ન ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો છે, જેમાં સહકારી સંસ્થામાં વિદેશી નાગરિકની સભ્યતા અને વ્યવસ્થાપક કમિટીના સભ્યપદ અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે.

આ કેસની વિગત એવી છે કે, ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં રણજીત પટેલ વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. રણજીત પટેલ અગાઉ ગણદેવી ખાતે રહેતા હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અમેરિકા ખાતે સ્થાયી થયા છે. તેમણે ભારતીય નાગરિકતા છોડી, અમેરિકાની નાગરિકતા સ્વીકારેલી હોવાનું રજૂ કરવામાં આવ્યું છે. વધુમાં, તેમનું નામ વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીની મતદાર યાદીમાં પણ નોંધાયું નથી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંડળીના અન્ય સભ્ય જીતેન્દ્ર દેસાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે વ્યક્તિ ન તો ગણદેવીના રહેવાસી છે, ન તો ભારતીય નાગરિક છે, તેવી વ્યક્તિ સહકારી ખાંડ મંડળીની સાધારણ સભ્ય કે વ્યવસ્થાપક કમિટીની સભ્ય બની શકે નહીં. આ મુદ્દે તેમણે ખાંડ નિયમક સમક્ષ વિવિધ રજૂઆતો તથા વાંધાઓ દાખલ કર્યા હતા.

આ રજૂઆતોના આધારે ખાંડ નિયમક દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર, 2025ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત સહકારી સમાજ અધિનિયમ, 1961ની કલમ 22 હેઠળ વિદેશી નાગરિક મંડળીનો સભ્ય રહી ન શકે તેવો કોઈ સ્પષ્ટ પ્રતિબંધક પ્રાવધાન નથી અને તેથી જીતેન્દ્ર દેસાઈની રજૂઆત નામંજૂર કરવામાં આવી હતી.

ખાંડ નિયમકના આ હુકમથી અસંતોષ અનુભવી જીતેન્દ્ર દેસાઈએ એડવોકેટ અર્ચિત જાની મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીની સુનાવણી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી, જેમાં અદાલતે પ્રાથમિક રીતે મુદ્દાની ગંભીરતા ધ્યાનમાં લઈને તમામ પ્રતિવાદીઓને નોટિસ ફરમાવી છે.
આ કેસમાં મહત્વનો કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે જે વ્યક્તિ સહકારી મંડળીના કાર્યક્ષેત્રમાં નિવાસ કરતી ન હોય તથા ભારતીય નાગરિક ન હોય, તેવી વ્યક્તિ સહકારી મંડળીની સાધારણ સભ્ય અથવા વ્યવસ્થાપક કમિટીના સભ્ય બની શકે કે નહીં. આ મુદ્દો ભવિષ્યમાં સહકારી સંસ્થાઓના સંચાલન અને ચૂંટણી પ્રક્રિયા માટે દિશાનિર્દેશક સાબિત થઈ શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *