ટ્યુશનિયા શિક્ષકો, ડમી શાળાઓ અને ડે-સ્કૂલના દૂષણ સામે ઝુંબેશ

સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને અસર કરતી ગેરરીતિઓ, શૈક્ષણિક ભ્રષ્ટાચાર અને કાયદાના ભંગ સામે આજે શિક્ષણવિદો, શૈક્ષણિક સંચાલકો અને વિવિધ શૈક્ષણિક સંગઠનોના અગ્રણીઓએ ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ…

સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને અસર કરતી ગેરરીતિઓ, શૈક્ષણિક ભ્રષ્ટાચાર અને કાયદાના ભંગ સામે આજે શિક્ષણવિદો, શૈક્ષણિક સંચાલકો અને વિવિધ શૈક્ષણિક સંગઠનોના અગ્રણીઓએ ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન-ગુજરાત, અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ તથા રાજ્યના વિવિધ જિલ્લાઓના શૈક્ષણિક સંગઠનોના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી અને માનનીય શિક્ષણ મંત્રીની રૂૂબરૂૂ મુલાકાત લઈ રાજ્યમાં વકરી રહેલી શૈક્ષણિક બદીઓને જડમૂળથી નાબૂદ કરવા માટે વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

પ્રતિનિધિમંડળે રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોથી એવી અનેક પ્રવૃત્તિઓ વધી રહી છે, જે શિક્ષણના મૂળ હેતુ, વિદ્યાર્થીઓના હિતો અને શિક્ષણની ગુણવત્તાને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે. ખાસ કરીને સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો દ્વારા નિયમો અને સેવા શરતોનું ઉલ્લંઘન કરીને મોટા પાયે ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે. આવા શિક્ષકો સરકારી પગાર મેળવતા હોવા છતાં વિદ્યાર્થીઓને શાળાની બહાર ફી આધારિત શિક્ષણ લેવા માટે પ્રોત્સાહિત કરતા હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડમી શાળાઓ (Dummy Schools) અને ગેરકાયદેસર ડે-સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલ મોડલનું દૂષણ અત્યંત ચિંતાજનક રીતે વધ્યું છે. અનેક વિદ્યાર્થીઓ માત્ર બોર્ડની હાજરી અને પરીક્ષા માટે કાગળ ઉપર શાળામાં નોંધાયેલા હોય છે, જ્યારે વાસ્તવિક અભ્યાસ કોચિંગ સંસ્થાઓમાં કરવામાં આવે છે. આ પ્રથા શિક્ષણના કાયદાઓ, શૈક્ષણિક ધોરણો અને શાળાકીય વ્યવસ્થાની મૂળભૂત ભાવનાનો ભંગ કરતી હોવાનું ફેડરેશને જણાવ્યું હતું. આવી ડમી વ્યવસ્થાઓને કારણે નિયમિત શાળાઓને નુકસાન થાય છે, શિક્ષણનું સામાજિક મૂલ્ય ઘટે છે અને વિદ્યાર્થીઓમાં માત્ર પરીક્ષા કેન્દ્રિત અભિગમ વિકસે છે.

આ ઉપરાંત આવેદનપત્રમાં શિક્ષણ વિભાગને રાજ્યવ્યાપી સર્વેક્ષણ હાથ ધરી ગેરકાયદેસર ટ્યુશન પ્રવૃત્તિઓ, ડમી શાળાઓ, નિયમવિરુદ્ધ ચાલતી ડે-સ્કૂલ વ્યવસ્થાઓ તથા શાળાકીય માળખાના દુરુપયોગ અંગે વિશેષ તપાસ સમિતિ રચવાની માંગ કરવામાં આવી છે. સાથે જ આવા કિસ્સાઓ અંગે ફરિયાદ નોંધાવવા માટે રાજ્ય સ્તરે વિશેષ હેલ્પલાઈન અને ઓનલાઈન પોર્ટલ શરૂૂ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.ગાંધીનગર ખાતે મીડિયા સાથે વાતચીત કરતાં ફેડરેશનના પ્રમુખ દિલીપસિંહ ગોહિલ, વિજય મારુ, હેમાંગ રાવલ, ઝંકૃત આચાર્ય, રાકેશ પરમાર, રઉફ અલી, , અનિલ ડાંગી, મનીષ વ્યાસ, દીપક પરમાર, સરજુ ચૌહાણ, મંગળ પટેલ, ડો કેવલ ત્રિવેદી તથા અન્ય અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ લડત કોઈ વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની શુદ્ધતા, પારદર્શિતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યના રક્ષણ માટે છે. જો સરકાર દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓ પર સમયબદ્ધ અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજ્યભરમાં શિક્ષણ બચાવો અભિયાન, જિલ્લા સ્તરના કાર્યક્રમો, જનજાગૃતિ અભિયાનો તથા લોકશાહી ઢબે ઉગ્ર આંદોલનો હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *