જલારામ જયંતીની તૈયારી દરમિયાન વાહન સાઈડમાં લેવા મામલે વેપારીને છરી ઝીંકી

રાજકોટ: શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક નજીક આવેલી વીતરાગ સોસાયટીમાં વાહન હટાવવા જેવી સામાન્ય બાબતે એક વેપારી પર છરી વડે હુમલો થયો…

રાજકોટ: શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક નજીક આવેલી વીતરાગ સોસાયટીમાં વાહન હટાવવા જેવી સામાન્ય બાબતે એક વેપારી પર છરી વડે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, વીતરાગ સોસાયટીમાં રહેતા અને સાઉન્ડ સિસ્ટમનો વેપાર કરતા 41 વર્ષીય અંકિતભાઈ ગુણવંતરાય શેઠ ગત તા. 15/11ના રોજ રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે સોસાયટીના અન્ય રહીશો અભિજ્ઞભાઈ વેગડ, રોહીતભાઈ કારીયા, દેવભાઈ રાઠોડ અને રાજેશભાઈ દેસાઈ સાથે મળીને સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે જલારામ જયંતીના પર્વની તૈયારીઓ કરી રહ્યા હતા.

આ દરમિયાન અંકિતભાઈ પોતાનું ’છોટા હાથી’ વાહન લઈને મંદિરના સ્ટોર રૂૂમમાં શાકભાજી ખાલી કરવા માટે સોસાયટીના ગેટમાં અંદર જઈ રહ્યા હતા.તે જ સમયે સામેથી કાળા કલરની સ્કોર્પિયો કાર લઈને બહાર આવી રહેલા ઉમંગ ભુત નામના શખ્સ સાથે તેમનું વાહન સામસામે આવી ગયું હતું. સ્કોર્પિયો ચાલકે અંકિતભાઈને ઝડપથી પોતાનું વાહન બહાર કાઢવા કહેતા, અંકિતભાઈએ થોડો સામાન ઉતારીને તરત જ વાહન લઈ લેવાનું કહ્યું હતું. આટલી વાતમાં સ્કોર્પિયો ચાલક ઉમંગ ભુત ઉશ્કેરાઈ ગયો હતો અને અંકિતભાઈ સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો.

ત્યારબાદ આરોપીએ ઉશ્કેરાટમાં આવીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને પોતાની કારમાંથી છરી કાઢી અંકિતભાઈના ડાબા કાનની નીચે ગળાના ભાગે એક ઘા ઝીંકી દીધો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને અંકિતભાઈને વધુ મારમાંથી બચાવ્યા હતા.

તે જ સમયે 112 પોલીસ વાનની લાઈટ દેખાતા આરોપી જતા-જતા જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.ઈજાગ્રસ્ત અંકિતભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને ગળાના ભાગે બે ટાંકા લીધા હતા. પ્રાથમિક સારવાર બાદ અંકિતભાઈએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસસુત્રોમાંથી જાણવા મળ્યું છે કે આરોપી ઉમંગ ભુત અગાઉ પણ મારામારી સહીતના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *