‘ગૂગલ IPTV’ એપ્લિકેશન દ્વારા વેપારીનો મોબાઈલ હેક કરી રૂ. 2.21 લાખની ઠગાઈ

રાજકોટ શહેરના હરિધવા રોડ પર આવેલા સુભાષનગરમાં રહેતા અને ગોંડલ ચોકડી નજીક પંપનો વેપાર કરતા સંજયભાઈ પાંચાભાઈ ડાભી સાથે રૂૂ. 2,21,788.48ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો…

રાજકોટ શહેરના હરિધવા રોડ પર આવેલા સુભાષનગરમાં રહેતા અને ગોંડલ ચોકડી નજીક પંપનો વેપાર કરતા સંજયભાઈ પાંચાભાઈ ડાભી સાથે રૂૂ. 2,21,788.48ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગત તારીખ 23 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ પર ઈન્ડસઈન્ડ બેંકમાંથી રૂૂ. 99,999.99 કપાઈ ગયાનો મેસેજ આવ્યો હતો. આ મેસેજ જોઈને સંજયભાઈએ બેંક એપ્લિકેશન ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સ્માર્ટફોન હેક થઈ ચૂક્યો હતો અને ડિસ્પ્લે પર “GOOGLE IPTV’ નામની સ્ક્રીન મિરરિંગ એરર દર્શાવતી હતી. અજાણી ફાઈલ કે એપ્લિકેશન દ્વારા મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવીને સાયબર ઠગોએ તેમના બેંક એકાઉન્ટ અને યુપીઆઈ આઈડીની ગુપ્ત માહિતી મેળવી લીધી હતી.

આ ઘટના બાદ ફરિયાદી તાત્કાલિક પોતાના ભાઈની દુકાને પહોંચ્યા હતા, જ્યાં મોબાઈલ સેફ મોડમાં ચાલુ કરીને શંકાસ્પદ એપ્લિકેશનને ડિલીટ કરવામાં આવી હતી. ત્યારબાદ સંજયભાઈએ બેંકમાં રૂૂબરૂૂ જઈ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તેમના ઈન્ડસઈન્ડ બેંક અને એચડીએફસી બેંકના ખાતાઓમાંથી ચાર અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કૂલ રૂૂ. 2,21,788.48 અજાણ્યા ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. વેપારીએ તુરંત જ પોતાના બેંક ખાતામાંથી ઓનલાઈન વ્યવહારો બંધ કરાવ્યા હતા અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને ઘટના અંગેની ઓનલાઈન ફરિયાદ દાખલ કરાવી હતી.

આ મામલે ગત તારીખ 2 ઓક્ટોબર 2026ના રોજ રાજકોટના ભક્તિનગર પોલીસ મથકે વિધિવત રીતે અજાણ્યા સાયબર ઠગો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 61(2) તેમજ આઈટી એક્ટની કલમ 66(સી) અને 66(ડી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઠગાઈમાં રકમ મેળવનારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ફિનો પેમેન્ટ્સ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને કેનેરા બેંકના ખાતાધારકો તેમજ મોબાઈલ હેક કરનાર ઈસમો સામે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આ સમગ્ર કેસની વધુ તપાસ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જયદિપસિંહ ડી. પરમાર ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *