જામનગરમાં દિગજામ સર્કલ નજીક એક વેપારી ઉપર કચરો ઉપાડવાના પ્રશ્ને તકરાર થયા બાદ ચાર શખ્સોએ કુહાડી તેમજ તલવાર વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યા હતા, અને વેપારીના માથામાં 9 ટાંકા લેવા પડ્યા છે. જે મામલે ચારેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે રહેતા અને દિગજામ સર્કલ નજીક પરચુરણ માલ સામાનની દુકાન ચલાવતા ઈસ્માઈલ નુરમામાદ નામના 48 વર્ષના વાઘેર યુવાન પર દુકાનની બહાર પડેલો કચરો ઉપાડવાના પ્રશ્ને રમેશભાઈ કોળી તેમજ તેના ભાઈના બે દીકરાઓ તથા રમેશભાઈ નો મિત્ર વગેરેએ માથામાં કુહાડાના ઘા ઝીંકી દઈ હાથમાં તલવાર વડે ઇજા પહોંચાડી હતી.
આથી તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને તેઓના માથામાં નવ ટાંકા લેવા પડ્યા છે.
આ હુમલા ના બનાવ અંગે ઇસ્માઈલભાઈ ચમડીયાની ફરિયાદ ના આધારે સીટી સી. ડિવિઝનના મહિલા પીએસઆઇ એમ.વી. દવે અને તેમના સ્ટાફે આરોપીઓ સામે હુમલા અંગે ગુનો નોંધ્યો છે, અને તેઓ ભાગી છૂટ્યા હોવાથી શોધખોળ ચલાવાઇ રહી છે.