જેતપુરમાં રિસામણે ગયેલી પુત્રવધૂના ભાઇ અને કાકા સહિતનો વેપારી ઉપર હુમલો

બહેનના સસરાને દુષ્કર્મ કેસમાં ફીટ કરી દેવાની ધમકી અપાઇ જેતપુરમાં કૌટુંબિક વિવાદમાં રીસામણે ગયેલી પુત્રવધુના ભાઈ અને કાકાએ વેપારીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, ગાળાગાળી તેમજ…

બહેનના સસરાને દુષ્કર્મ કેસમાં ફીટ કરી દેવાની ધમકી અપાઇ

જેતપુરમાં કૌટુંબિક વિવાદમાં રીસામણે ગયેલી પુત્રવધુના ભાઈ અને કાકાએ વેપારીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, ગાળાગાળી તેમજ મારામારી કરવા અને છેલ્લે દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલી ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા વેપારી હરેશભાઈ પ્રતાપભાઈ આસનાણી (ઉ.વ. 51) એ ત્રણ વ્યક્તિઓ વિરૂૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં તેમના પુત્રના સાળા ભારતભાઈ ગોવિંદભાઈ સેજવાણી (રહે. આદિપુર, કચ્છ), કાકાજી સસરા તુલશીભાઈ રામભાઈ સેજવાણી તેમજ તેમની સાથે ગાડી લઈને આવેલ અજાણ્યો ડ્રાઈવરનું નામ આપ્યું છે. પોલીસ મથકે કરેલી ફરિયાદીમાં જણાવ્યા મુજબ હરેશભાઈના દીકરા આશિષના લગ્ન આરોપી ભારતભાઈ ગોવિંદભાઈ સેજવાણીની બહેન અને તુલશીભાઈ રામભાઈ સેજવાણીની ભત્રીજી સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદો સર્જાતા, ફરિયાદીના દીકરાની પત્ની પોતાના પિયર રિસામણે ચાલી ગઈ હતી. આ ઘરકંકાસનો બદલો લેવા અને મામલો સુલઝાવવાના બહાને આરોપીઓ જેતપુર દોડી આવ્યા હતા.

ભારતભાઈ ગોવિંદભાઈ સેજવાણી (રહે. આદિપુર, કચ્છ), તુલશીભાઈ રામભાઈ સેજવાણી તેમજ તેમની સાથે ગાડી લઈને આવેલ અજાણ્યો ડ્રાઈવર ફરિયાદી હરેશભાઈના ઘરે ધસી આવ્યા હતા. આરોપીઓએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી હરેશભાઈ સાથે માથાકૂટ કરી હતી.

જોતજોતમાં મામલો એટલો બિચક્યો કે આરોપીઓએ ગાળાગાળી કરી ફરિયાદી સાથે હાથાપાઈ કરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદી પક્ષને ગંભીર પરિણામો ભોગવવાની અને ભવિષ્યમાં ખોટા ’રેપ કેસ’ માં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનામાં જેતપુર પોલીસે ફરિયાદી હરેશભાઈ આસનાણીની ફરિયાદના આધારે આરોપીઓ વિરૂૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *