છેલ્લા એક વર્ષમાં ચાંદીમાં 250 ટકા અને સોનામાં 100 ટકાના ભાવ વધારાથી રાજકોટમાં માત્ર 30 ટકા બિઝનેસ
વેપારીઓએ અનેક કારીગરોને છૂટા કરી દીધા, તોતીંગ ભાવ વધારાથી રાજકોટની ગૃહિણીઓ પણ નારાજ
રાજકોટ સહિત ભારતભરની સોના-ચાંદીના ભાવમાં આગ લાગી છે. છેલ્લા છ મહિનામાં જ ચાંદીના ભાવ 1 લાખથી વધીને 3 લાખ 20 હજારે પહોંચી ગયા છે અને સોનાના ભાવ પણ માત્ર સાત મહિનામાં બમણા થઇ ગયા છે. છેલ્લા એક વર્ષથી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શાસન સંભાળ્યુ ત્યારથી સોના અને ચાંદીમાં કલ્પી ન શકાય તેવી તેજી જોવા મળી રહી છે. વિશ્ર્વભરમાં અશાંતિ અને અજંપાભર્યા વાતાવરણ વચ્ચે થઇ રહેલા યુધ્ધ અને નવા યુધ્ધની શરૂઆત, અમેરિકી પ્રમુખ દ્વારા નવા ટેરિફની જાહેરાત અને તેની વિશ્ર્વેક અસરના પગલે સોના-ચાંદી માર્કેટમા અસાધારણ ડીમાન્ડ વધી છે.
રોકાણકારો શેરબજાર અને અન્ય કોમોડીટીને બદલે સોના-ચાંદી તરફ વળ્યા અને વિશ્ર્વભરમાં સોનુ સેફ હેવન ગણાવા લાગતા સોનુ અને ચાંદીના ભાવ સતત વધતા રહ્યા છે. જેની મોટી અસર સોના-ચાંદીના ધંધા સાથે સંકળાયેલા કારીગર વર્ગ સાથે થઇ છે. આજે અનેક વેપારીઓએ કારીગરોને છુટા કરી દીધા છે. રાજકોટ સહિત ગુજરાતની બજારમાં 60થી 70% બીઝનેસ ઓછો થઇ ગયો છે. ત્યારે રાજકોટ ગોલ્ડ ડિલર એસોસિએશનના પ્રમુખ, ઇન્ડિયા ગોલ્ડ અને જવેલર્સ ઓસોસિએશનના પ્રમુખ અને રાજકોટની ગૃહીણીઓ શું માને છે. તે અહી પ્રસ્તૃત છે.
દીકરા પક્ષના પરિવારો સોનાને બદલે સંસ્કારી દીકરી ઉપર ભાર મુકે: મીકસુબેન ભાલારા, ગૃહિણી-રાજકોટ
સોના અને ચાંદીમાં છેલ્લા એક વર્ષમાં જે ભાવ વધારો આવ્યો છે તે પોષાય તેમ નહી આજે ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવાર માટે સોના-ચાંદીની ખરીદી કરવી લગભગ અશકય બની છે. એક સમય હતો કે લગ્નપ્રસંગે દીકરીઓને 10-20 તોલા સોનુ આપવામાં આવતુ હોતુ પરંતુ અત્યારે 2થી 4 તોલા સોનુ આપવુ પણ મુશકેલ બન્યુ છે. અન્ય ક્ષેત્રેમાં પણ મોંઘવારી વધવાના કારણે નાણાકીય સગવળતા અધરી બની છે ત્યારે સોના-ચાંદી પ્રત્યે પણ હવે પરિવારોેએ વાખ્યા બદલવી પડશે. માત્ર દીકરીના પરિવારે નહીં પરંતુ દીકરાના પરિવારે પણ લગ્નપ્રસંગે એવુ કહેવુ જોઇએ અમારે સોનુ જોઇતુ નથી. દેખાદેખીના સમયમાં લોકોએ સોનાનો આગ્રહ ઓછો કરવો જોઇએ જેથી કરીને પરિવારો પોતાના બજેટમાં લગ્નપ્રસંગ કે અન્ય પ્રસંગોનું આયોજન અને ઉજવણી કરી શકે. આવનારા દિવસોમાં દીકરીની કિંમત કેટલુ સોનુ આપે છે તેના ઉપર કરવાના બદલે દીકરીના સંસ્કાર, આવડત અને હોશિયાર કેટલી છે તેના ઉપર પરિવારે ભાર મુકવો જોઇએ જો આવુ થશે તો ગરીબ પરિવારની હોશિયાર દીકરીઓ પણ લોકો સ્વીકારશે.
50થી 60% ઓર્ડર ઘટી ગયા છે: મયુર આડેસરા (વાઇસ પ્રેસીડેન્ટ, ઇન્ડિયા ગોલ્ડ એન્ડ જવેલર્સ એસોસીએશન)
છેલ્લા કેટલાક મહીનાથી સોના-ચાંદીના ભાવમાં જે વધારો નોંધાયો છે. તેનાથી જવેલરી સેકટરને બહુ મોટી અસર પહોંચી છે. હાલ 50 થી 60 ટકા ઓર્ડરો ઘટી ગયા છે. લગ્નની થોડી ખરીદી જોવા મળી છે. પરંતુ બાકી કોઇ ઘરાકી જોવા મળી નથી. હાલ જે ખરીદી જોવા મળી રહી છે તે ઇન્વેસ્ટરોની છે. બિઝનેશની પરિભાષામાં સોના-ચાંદી પ્રત્યે આઉટલુક બદલાયા છે. ડોલરની નબળાઇને કારણે સેન્ટ્રલ બેંકની ખરીદી વધી છે. ચીનમાં ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ ફરજીયાત બન્યું છે. ચીને સીલ્વર પર માર્કેટ બેન મુકયો તેની અસર ચાંદીના ભાવમાં જોવા મળી. ઇવી માર્કેટ અને સોલારમાં ચાંદીનો વપરાશ વધયો પરંતુ તેને કારણે આટલો મોટો ઉછાળો ચાંદીમાં આવે તે અપેક્ષીત નથી. હવે એપ્રિલ-મે માં થોડો ઘટાડો આવી શકે છે કે કોઇ મોટી બેંક નાદારી નોંધાવે તો ભાવમાં થોડા ગાબડા પડી શકે તેમ છે. પરંતુ હાલ તો કારીગરો બેરોજગાર બન્યા છે અને વતન જઇ રહ્યા છે.
રોટી-કપડાં-મકાન વગર નહીં ચાલે પણ સોના વગર ચલાવવું પડશે: રાજશ્રીબેન કડીવાર-ગૃહિણી
સોનુ હવે ખરા અર્થમાં શ્રીમંત લોકો જ ખરીદી શકે તેવી રીતના ભાવ થઇ ગયા છે. ત્યારે ગરીબ અને શ્રીમંત બંને એક સાથે નક્કી કરીને સોનુ ન ખરીદવાનો અથવા થોડી માત્રમાં નક્કી કરે અને તેની શરૂઆત કરે તે જરૂરી છે. આમ પણ સોનુ ખરીદયા બાદ મોટાભાગના પરિવારો બેંકમાં રાખતા આવે છે. એટલે કે ખરા અર્થમાં તે પહેરવામાં આવતુ નથી. શુકન માટે સોનુ અને ચાંદી ખરીદવુ જરૂરી છે પરંતુ તેની માત્રમાં મોટો ઘટાડો આવે તે ઇચ્છનીય છે. અન્ન, કપડા, મકાન વગર નહીં ચાલે પરંતુ સોના વગર જરૂર ચાલતે તે માનસિકતા દીકરી અને દીકરાના પરિવારે વીકસાવી જરૂરી છે. દીકરાના વહુને શુ ચઢાવવુ કેટલુ સોનુ આપવુ તેની બદલે સામે વારાની પરીસ્થિતિને સમજી સોના માટે શુકન પુરંતુ ખરીદી કરવામાં આવે તે જરૂરી છે. આપણે ત્યા મહિલાઓ માટે સોનુ બચત છે એવુ માનવામાં આવે છે મધ્યમ વર્ગના માણસો માટે સોનુ ખરીદવુ મુશ્કેલ બન્યુ છે ત્યારે વ્યહવારુ ઉકેલ જરૂરી બન્યા છે.
ભાવ ચિતાની ઝડપે વધ્યા પણ બજારની સ્થિતિ કાચબા જેવી : ભાયાભાઇ સાહોલીયા
ભાયાભાઇ સાહોલીયા પ્રમુખ રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન દ્વારા ‘ગુજરાત મિરર’ને જણાવ્યુ છે કે, સોના-ચાંદીના ભાગ ચીતાની ઝડપે વધે છે અને બજારની હાલત કાચબા જેવી છે. કારીગરો અને વેપારીઓની હાલત કફોડી બની છે. અનેક વેપારીઓ અને હોલસેલ દાગીનાના ઉત્પાદકો કારીગરોને છુટા કરી રહ્યા છે. હજુ એવુ માન્વામાં આવી રહ્યુ છે. ત્યારે આ પરીસ્થિતિમાં ધંધો કેમ કરવો અને કેમ માલ વેંચવો અને ગ્રાહકોએ આ ભાવે કેમ માલ ખરીદ કરવો તે ચિંતાનો વિષય બન્યો છે. દરેક પરિવારને સોના-ચાંદીના દાગીના ખરીદવા માટેનુ એક બજેટ હોય છે. પરંતુ ભાવ એટલા વધી ગયા છે કે ધોતીના ભાવમાં રૂમાલ આવે છે. ઇન્વેસ્ટરોને ફાયદો જરૂર થયો છે. પરંતુ રાજકોટમાં સૌથી મોટી રોજગારી આપતુ જવેલરી સેકટરના કારીગરો મુશ્કેલીમાં મુકાયા છે. આ ધંધા સાથે માત્ર સોની જ નહીં પરંતુ પટેલ, કુંભાર, બગાળી તેમજ અન્ય જ્ઞાતિના કારીગરો પણ જોડાયેલા છે. પરંતુ પુરતુ કામ ન મળવાના કારણે તેઓ બેહાલ છે. કારીગરોને અસર પહોંચી છે. આંતરરાષ્ટ્રીય બજારને કારણે ભાવની વધઘટ જોવા મળે છે. પરંતુ કયાંક કૃત્રિમ તેજી હોય તેવું લાગે છે. અત્યારે બિઝનેશ 70 થી 80 ટકા ઘટી ગયો છે. વિશ્વભરમાં રાજકીય અરાજકતા, ટ્રમ્પની ધમકીઓ અને ભાષણો પણ માર્કેટને નડી ગયા છે. વિશ્ર્વભરમાં કયાંય શાંતી નથી અને તેની અસર આ બિઝનેશ ઉપર પડી છે. હવે ભાવ ઘટે તો બિઝનેશને બચાવી શકાય તેમ છે.
સમાજે દેખાદેખીની જગ્યાએ ક્ષમતા મુજબ સોનું ખરીદવું: શારદાબેન ઢોલ-ગૃહિણી રાજકોટ
સામાન્ય પરિસ્થિતિમાં સોનાની ખરીદી કરે તેની સામે વાંધો હોઇ ના શકે પરંતુ આ ભાવમાં સોનુ ખરીદીવુ મુશ્કેલ બને છે. આપણે ત્યા સોનાને શુકન તરીકે અને કપરી પરિસ્થિતિમાં સોનુ કામ આવશે તેવી માન્યતાને કારણે સોનુ ખરીદવામાં આવે છે. પરંતુ વર્તમાન સંજોગોમાં સોનુ ખરીદવુ મુશ્કેલ બને છે. ત્યારે કેટલુ સોનુ ખરીદવુ તે સમજદારીનો વિષય બન્યો છે. હવે કોઇ પણ સમાજે દેખાદેખી કરવાના બદલે પોતની ક્ષમતા મુજબ સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવી જોઇએ.
