સૂચિત જંત્રીદરો સામે બિલ્ડરો મેદાને, સોમવારે મૌન રેલી

જંત્રીના અવાસ્તવિક વધારાના કારણે બાંધકામ ઉદ્યોગ મૃતપાય થઇ જશે, જૂની-નવી શરતની જમીનના પ્રીમિયમ અને પેઇડ એફએસઆઇનો બોજો જનતા ઉપર પડશે પ્લાન પાસ કરાવવા, ફાયર એન.ઓ.સી.…

જંત્રીના અવાસ્તવિક વધારાના કારણે બાંધકામ ઉદ્યોગ મૃતપાય થઇ જશે, જૂની-નવી શરતની જમીનના પ્રીમિયમ અને પેઇડ એફએસઆઇનો બોજો જનતા ઉપર પડશે

પ્લાન પાસ કરાવવા, ફાયર એન.ઓ.સી. અને કમ્પ્લીશન સર્ટિફિકેટ સહિતની સમસ્યાઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારમાં થશે રજૂઆત


ગુજરાત સરકારે 13 વર્ષ બાદ જંત્રી દરોમાં બે હજાર ટકા સુધીનો વધારો કરવા જાહેરનામું બહાર પાડી વાંધા-સુચનો માંગતા બિલ્ડરલોબી અને ખેડૂત ખાતેદારોમાં દેકારો મચી જવા પામેલ છે. ગઇકાલે ગુજરાત બિલ્ડર એસો.એ વિરોધ નોંધાવ્યા બાદ હવે રાજકોટ બિલ્ડર એસો. પણ મેદાને આવ્યું છે અને આગામી સોમવાર તા.9ના રોજ રાજકોટ બિલ્ડર એસો.ના નેજા હેઠળ રિઅલ એસ્ટેટ વ્યવસાય સાથે જોડાયેલા તમામ એસોસીએશનો દ્વારા મૌન રેલી કાઢી સુચિત જંત્રી દરોના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવનાર છે.


આજે બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરા, ભરત પટેલ, સુજીત ઉદાણી, ધૃવિક તળાવીયા, દિલીપભાઇ લાડાણી વિગેરેએ પત્રકારોને જણાવ્યું હતું કે, સુચિત જંત્રી દરો સામે વાંધા-સુચનો રજુ કરવા માટે અપાયેલો બે માસનો સમયગાળો ખુબજ ઓછો છે.


આ ઉપરાંત અનેક વિસ્તારોમાં સુચિત જંત્રીદરોમાં અનેકગણો વધારો સુચવવામાં આવ્યો છે તે પણ બિલ્ડરોએ અસહ્ય ગણાવ્યો હતો. સુચિત જંત્રીદર સામે વાંધા સુચનો માટેનો સમયગાળો પણ ઓછામાં ઓછો બે માસ વધારવા માંગણી કરવામાં આવી છે.


રાજકોટ બિલ્ડર એસો.ની યાદીમાં જણાવાયું છે કે દેશની અર્થવ્યવસ્થામાં મહત્વના ભાગનું યોગદાન આપતો બાંધકામ ઉદ્યોગ હાલમાં છેલ્લા ઘણાં મહીનાથી અગમ્ય કારણોસર અને વચ્ચે ઉભી થયેલી અડચણને લીધે મૃત:પાય અવસ્થામાં આવી ગયેલ છે. બિલ્ડરનાં બિઝનેશને નીચેના મુદ્દાઓથી આવી પરિસ્થિતી ઉભી થઈ છે જેમાં મુખ્યત્વે જંત્રીનો અવાસ્તવિક અસહ્ય વધારો કે જેને લીધે બાંધકામ ઉદ્યોગ આજે મૃત:પાય અવસ્થામાં જઈ રહયો છે જેને લીધે જંત્રીનો વધારો કોઈપણ સંજોગમાં સ્વીકાર્ય થઈ શકે તેમ નથી.

જંત્રીને લીધે નવી શરતની જમીન બીનખેતી કરવા માટે ભરવું પડતું પ્રિમીયમનો બોજો, નવી જંત્રીને લીધે પેઈડ એફ.એસ.આઈ. ની રકમમાં આવતો અસહ્ય વધારો, દસ્તાવેજ માટે ભરવા પાત્ર સ્ટેમ્પ ડયુટીમાં વધારો તેમજ જી.એસ.ટી.ની રકમમાં વધારો થાય આ તમામની મોટી અસર સામાન્ય નાગરિકો દ્વારા ખરીદ કરવામાં આવતા ફલેટ અથવા તો ટેનામેન્ટની કીંમત ઉપર સીધી જ પડે છે, તદ્ઉપરાંત પ્લાન પાસ કરવા માટે જરૂૂરી ફાયર એન.ઓ.સી. આપવામાં આવતા નથી. કંપલીશન સર્ટીફીકેટ માટે જરૂૂરી ફાયર એન.ઓ.સી. પણ આપવામાં આવતા નથી. ટી.પી. સ્કીમ હેઠળ લાગુ પડતી 40% ની કપાત, કોઈ અગમ્ય કારણોસર રાજકોટમાં નવા પ્લાન તેમજ કંપલીશન સર્ટીફીકેટ લાંબા સમયથી આપવામા આવતા નથી આવા અનેક પ્રશ્નો સાથે ગુજરાત સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવશે અને યોગ્ય ઉકેલ લાવવા માંગણી કરવામાં આવશે.

વિકાસ પરવાનગીની 613 ફાઈલ નામંજૂર
મહાનગરપાલિકાના ટીપી વિભાગની કામગીરી છેલ્લા ઘણા સમયથી ગોટે ચડીગઈ હોય તેમ નવા નિયમોની અમલવારી કરવામાં બાંધકામ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. વિકાસ પરવાનગી માટે છેલ્લા છ માસ દરમિયાન કુલ 2324 અરજી કરવામાં આવેલ જે પૈકી 1455 મંજુર કરી 613 રદ કરવામાં આવી છે. જ્યારે 256 અલગ અલગ કારણોસર પેન્ડીંગ રખાઈ છે. જ્યારે ભોગવટા પરવાનગી માટેની 1744 અરજી આવેલ જે પૈકી 1717 મંજુર કરી 27 પેન્ડિંગ રાખવામાં આવી છે. આથી છેલ્લા છ માસ દરમિયાન નિયમોની ચૂસ્ત અમલવારી કરતા 613 વિકાસ પરવાનગીની અરજીઓ નામંજુર કરવામાં આવી હોવાનું બિલ્ડર એસોસીએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટમાં બાંધકામ ઉદ્યોગ ઠપ: પરેશ ગજેરા
રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરાએ પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ટીઆરપી ગેમઝોનનો ગોઝારો બનાવ બન્યા બાદ બાંધકામ ઉદ્યોગને ફટકો પડયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી હોય, આ બન્ને જગ્યાએ ટાઉન પ્લાનીંગ ડીપાર્ટમેન્ટમાં નવા અધિકારીઓની નિમણુંક થઇ છે અને આ અધિકારીઓમાં ઘણા બધા ફ્રેશ છે. ઘણા એન્જિનીયરો ફ્રેશ છે. ટીપી એટલે કે ટાઉન પ્લાનીંગ શું છે એ ખબર નથી. કેવી રીતે મંજુર થાય એ ખબર નથી. જીડીસીઆર શું છે એ ખબર નથી. ત્રણ મહીના સુધી અમને એવું લાગ્યું કે બધુ થાળે પડી જશે પણ દિવસે ને દિવસે પરિસ્થિતી ખરાબ થઇ ગઇ. જેના લીધે સંપૂર્ણ બાંધકામ ઉદ્યોગ ઠપ્પ જેવો થઇ ગયો છે.

એફએસઆઈની આવકમાં 90 કરોડના ગાબડાંની આશંકા
મહાનગરપાલિકાની આવકો પૈકી એફએસઆઈની આવક પણ મોટો ભાગ ભજવે છે. ચાલુ વર્ષના બજેટમાં એફએસઆઈ પેટે રૂા. 180 કરોડની આવકનો અંદાજ લગાવવામાં આવ્યો છે. પરંતુ ટાઉન પ્લાનીંગ વિભાગની કામગીરી છેલ્લા ઘણા સમયથી ઠપ હોય તેમજ નિયમોની અમલવારીના કારણે 613 વિકાસ પરવાનગીની ફાઈલો નામંજુર કરવામાં આવેલ છે. આ સ્થિતિ જોતા પેઈડ એફએસઆઈમાં 70થી 90 કરોડનું ગાબડુ પડવાની સંભાવના જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *