મૃતકે જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી વડે માર માર્યાની વળતી ફરિયાદ
બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે ગૌચરની જમીનમાં દબાણ કરી ખેતીકામ કરવા બાબતે થયેલી તકરારના મનદુ:ખમાં વૃધ્ધની લાકડીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે બાબરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે. જ્યારે આરોપી દ્વારા પણ મૃતકે તેને મારકૂટ કર્યાની વળતી ફરિયાદ નોંધાવાઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કોટડાપીઠા ગામના વતની અને હાલ જસદણ રહેતા મંગળુભાઈ જીવાભાઈ ધાધલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના બનેવી બાબભાઈ મોકાભાઈ ખાચર (ઉ. વ 70) પોતાની વાડીએથી ઢોર લઈને કોટડાપીઠા ગામે ઘરે પરત ફરી રહ્યા હતા.
તે દરમિયાન કોટડાપીઠા-કૂણુકીના જૂના માર્ગે ડૂબમાં ગયેલ જમીન પાસે આરોપી રમેશ ઉર્ફે દુડી ગોરધનભાઈ સોલંકી(ઉ.વ.25)એ તેમને અટકાવ્યા હતા.બાબભાઈ ખાચરે બે દિવસ અગાઉ આરોપી રમેશ સોલંકીને વાડીની સામે આવેલ ગૌચરની જમીનમાં દબાણ કરી ખેતીકામ ન કરવા અંગે સમજાવ્યા હતા. જેનું મનદુ:ખ રાખી આરોપીએ બાબભાઈને ઢોર સાઈડમાં ચલાવવાનું કહી ગાળો આપી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈ જઈને લાકડી વડે આડેધડ માર માર્યો હતો.
આ હુમલામાં બાબભાઈને બંને હાથ, પગ અને પાંસળીમાં મલ્ટીપલ ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ હત્યા કેસના આરોપી રમેશ સોલંકીએ પણ બાબરા પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં મરણ જનાર બાબભાઈ ખાચરે તેને ભોળાનાથના મંદિરે જવાની ના પાડી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.બાબરા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
