મુળ અમરેલીના બાંટવા દેવળી ગામના વતની અને રાવકી ગામે નોકરી કરતો યુવાન રાજકોટમાં રહેતી બહેન પાસે રાખડી બંધાવીને પરત જઇ રહ્યો હતો ત્યારે રાવકી નજીક સર્જાયેલા બાઇક અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યુ હતું. માતા-પિતાના આધાર સ્થભ અને અકેલૌતી બહેનના એકના એક ભાઇના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીના બાંટવા દેવળી ગામે રહેતો મિલન જેન્તીભાઇ કોટડીયા નામનો 27 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામા રાવકી ગામ પાસેથી અકસ્માત સબબ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સારવાર મળે તે પૂર્વે જ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરતા લોધિકા પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પીએમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં મૃતક મિકલ કોટડીયા મુળ બાંટવા દેવળી ગામનો વતની હતો અને હાલ રાવકી ગામે નાગબાઇ કંપનીમા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. મિલન કોટડીયા તેના માતા-પિતાનો આધાર સ્થભ અને એકની એક બહેનનો એકનો એક મોટોભાઇ હતો. મિલન કોટડીયા રાજકોટમાં 80 ફૂટ રોડ પર રહેતી તેજલબેન પાસે રાખડી બંધાવવા માટે આવ્યો હતો. બહેન પાસે રાખડી બંધાવી રાવકી ગામે પરત જઇ રહ્યો હતો ત્યારે સર્જાયેલા બાઇક અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે લોધિકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
