ગોંડલના સુરેશ્વર ફાટક નજીક 21 વર્ષીય યુવાને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો છે. મૃતક યુવાનનું નામ પ્રદીપભાઈ રમેશભાઈ પરમાર છે, જે મૂળ ડોડીયાળા ગામના વતની હતા અને હાલ પારડીમાં રહેતા હતા. આ ઘટનાથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રદીપભાઈ ગઈકાલે જ પોતાના કૌટુંબિક બહેનના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ડોડીયાળા ગામે આવ્યા હતા. લગ્નનો પ્રસંગ પૂર્ણ થયા બાદ આ કરુણ બનાવ બન્યો હતો.
બપોરના સમયે પ્રદીપભાઈ તેમના કૌટુંબિક ભાઈ સાથે પહેલા મોવિયા અને ત્યારબાદ ગોંડલ અક્ષર મંદિર દર્શન માટે ગયા હતા. ત્યાંથી તેઓ “હમણાં આવું છું, લગ્નના કપડાં દેવા જવું છે” તેમ કહીને નીકળ્યા હતા, પરંતુ કપડાં દેવા જવાને બદલે તેઓ સુરેશ્વર ફાટક પહોંચ્યા હતા. રાજકોટ-વેરાવળ લોકલ પેસેન્જર ટ્રેન (નંબર – 59421) નીચે ઝંપલાવી પ્રદીપભાઈએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃતક યુવાન શક્તિમાન ફેક્ટરીમાં કામ કરતો હતો અને બે બહેનો વચ્ચે એકનો એક નાનો ભાઈ હતો. તે અપરિણિત હતો.
ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસે યુવાનના આપઘાત પાછળના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
