ગુજરાતમાં નશીલા પદાર્થો સામેની લડાઈમાં હવે સૌથી મોટી પડકાર માત્ર ડ્રગ્સ શોધવાની નથી, પરંતુ તેની પાછળના વ્યક્તિને પકડવાની છે. જૂન મહિનામાં રાજ્યમાં જપ્ત થયેલા નશીલા પદાર્થોના કુલ મૂલ્યમાંથી અડધાથી વધુ ભાગ એવી ક્ધસાઇનમેન્ટમાંથી મળ્યો છે, જ્યાં સ્થળ પર કોઈ આરોપી હાજર ન હતો.
એન્ટિ-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF), સીઆઈડી ક્રાઈમ અને રેલવે પોલીસના માસિક એન્ફોર્સમેન્ટ રજિસ્ટર મુજબ, જૂનમાં 28 ગુણવત્તાયુક્ત એનડીપીએસ કેસોમાં આશરે રૂૂ. 48 કરોડના નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. આમાંથી ચાર ક્ધસાઇનમેન્ટનું મૂલ્ય રૂૂ. 28.2 કરોડ હતું જે કુલ જપ્તીના લગભગ 59 ટકા છે. આ ચાર કેસોમાં કુલ 157.8 કિલોગ્રામ નશીલા પદાર્થો હતા, જેમાં પશ્ચિમ કચ્છમાંથી મળેલી 27.4 કિલોગ્રામ હેરોઈનની ક્ધસાઇનમેન્ટનું મૂલ્ય એકલું જ રૂૂ. 27.3 કરોડ હતું.
આ પેટર્નને તપાસકર્તાઓ ‘ડેડ ડ્રોપ’ તરીકે ઓળખે છે. આ પદ્ધતિમાં ડ્રગની ક્ધસાઇનમેન્ટ પૂર્વનિર્ધારિત સ્થળે મૂકી દેવામાં આવે છે, જેથી બીજી વ્યક્તિ તેને પછીથી લઈ જઈ શકે. આ રીતે સપ્લાયર, ટ્રાન્સપોર્ટર અને રિસીવરને શારીરિક રીતે મળવાની જરૂૂર પડતી નથી, જેનાથી નિરીક્ષણ અને ધરપકડ ખૂબ મુશ્કેલ બની જાય છે.
સૌથી મોટો કેસ 17 જૂનના રોજ કચ્છની નારાયણ સરોવર પોલીસે નોંધ્યો હતો, જ્યાં 27.4 કિલોગ્રામ હેરોઈન (રૂૂ. 27.3 કરોડ) મળી હતી, પરંતુ સ્થળ પર કોઈ આરોપી નહોતો. બે દિવસ પછી વાયોર પોલીસે 14.3 કિલોગ્રામ ચરસ (રૂૂ. 21.4 લાખ) જપ્ત કરી, ત્યાં પણ કોઈને પકડી શકાયો નહીં. 10 જૂને પોરબંદર હાર્બર મરીન પોલીસે 2.2 કિલોગ્રામ ચરસ (રૂૂ. 5.6 લાખ) અનઅટેન્ડેડ ક્ધસાઇનમેન્ટમાંથી મેળવી. રેલવે નેટવર્કમાં પણ સમાન પડકાર જોવા મળ્યો 1 જૂને વડોદરા રેલવે પોલીસે 113.9 કિલોગ્રામ ગાંજો (રૂૂ. 57 લાખ) જપ્ત કર્યો, પરંતુ આરોપીની ધરપકડ થઈ નહીં.
તપાસ એજન્સીઓ માટે આવી જપ્તીઓ બે તરફી તલવાર સમાન છે. મોટી માત્રામાં નશીલા પદાર્થો બજારમાં પહોંચતા અટકે છે, પરંતુ સ્થળ પર આરોપીની ગેરહાજરીને કારણે કોણે ટ્રાન્સપોર્ટ કર્યું, કોણે ફાઇનાન્સ કર્યું અને કોણે તે લેવાનું હતું તે સ્થાપિત કરવું વધુ મુશ્કેલ બને છે. અધિકારીઓનું કહેવું છે કે ડ્રગ નેટવર્ક્સ ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા આધારિત સંચારનો વધુને વધુ ઉપયોગ કરીને ક્ધસાઇનમેન્ટનું સંકલન કરે છે અને સહભાગીઓને અલગ રાખે છે.જૂનના આંકડા એક તીવ્ર વિરોધાભાસ પણ દર્શાવે છે.
જ્યારે પોલીસે ટ્રાન્ઝિટમાં અથવા ડિલિવરી દરમિયાન ડ્રગ્સ પકડ્યા, ત્યારે સામાન્ય રીતે ધરપકડો થઈ. અમદાવાદ પોલીસે ચાર કેસમાં 803.8 ગ્રામ મેફેડ્રોન જપ્ત કરીને પાંચ લોકોની ધરપકડ કરી, જ્યારે સુરતની સચિન પોલીસે 52.4 ગ્રામ સાથે એકને પકડ્યો. ગુજરાત એટીએસે 29 જૂને 140.1 ગ્રામ મેફેડ્રોન સાથે બે આરોપીઓને ઝડપ્યા. નરોડા પોલીસે 7.1 કિલોગ્રામ મેથામ્ફેટામાઈન (રૂૂ. 14.2 કરોડ) સાથે એક વ્યક્તિની ધરપકડ કરી, જે મહિનાની મોટી જપ્તીઓમાંની એક હતી.
હાઈવે અને ટ્રેન દ્વારા બલ્ક ડ્રગ્સની હેરાફેરી
જૂનમાં ગુજરાતમાં જપ્ત થયેલા બલ્ક નશીલા પદાર્થોમાં ગાંજો અને પોપી સ્ટ્રો મોટો ભાગ ધરાવતા હતા. વડોદરા રેલવે, વલસાડ, આણંદ, સુરત અને ભચાઉ સહિતના વિવિધ કેસોમાં 468.5 કિલોગ્રામ ગાંજો (રૂૂ. 2.4 કરોડ) જપ્ત થયો હતો. 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી (વડોદરા રેલવે કેસને બાદ કરતાં, જ્યાં કોઈ આરોપી નહોતો). બનાસકાંઠાના ધાનેરા પોલીસે 393.7 કિલોગ્રામ પોપી સ્ટ્રો (રૂૂ. 59.1 લાખ) સાથે એકને પકડ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જ્યારે આરોપી, ફોન, વાહન અથવા ડિલિવરી પોઈન્ટ મળી જાય ત્યારે તપાસકર્તાઓને વ્યાપક સપ્લાય ચેઈન ખોલવાનું સૂત્ર મળી જાય છે. જ્યારે ડેડ ડ્રોપ પદ્ધતિને કારણે આવા સૂત્રો અનુપલબ્ધ રહે છે.
