રાજકોટનો બ્રેઇન ડેડ યુવક અન્ય ચાર જિંદગીમાં ધબકશે

હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ મોકલાયું, બે કિડની, લીવર અને આંખનું પણ દાન કર્યુ રાજકોટ પંથકના એક યુવાન જયેશ ભાઈ મનસુખભાઈ ગોંડલિયાનું બ્રેઈન ડેડ થતાં તેના…

હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ મોકલાયું, બે કિડની, લીવર અને આંખનું પણ દાન કર્યુ

રાજકોટ પંથકના એક યુવાન જયેશ ભાઈ મનસુખભાઈ ગોંડલિયાનું બ્રેઈન ડેડ થતાં તેના હૃદય સાથે બે કિડની, લીવર અને આંખ સહિતનાં અંગોનું દાન કરી દુ:ખમાં પણ પરિવારે દાનની મહાનતા બતાવી છે.

આ અંગેની વિગત મુજબ, ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના નિવાસી 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ ગોંડલિયાને 18- 12ની સવારે અકસ્માત બાદ મગજની ગંભીર ઇજા થવાના કારણે તેઓ બ્રેઇન ડેડ જાહેર થયા હતા. આ દુ:ખદ પરિસ્થિતિ વચ્ચે પણ જયેશભાઈના કુટુંબીજનોમાં તેમના ધર્મપત્ની ભાવનાબેન, પુત્ર નિર્ભય, પુત્રી માહી, પિતા મનસુખભાઈ , માતા લાભુબેન તથા ભાઈઓ અરવિંદભાઈ તથા પ્રવીણભાઈએ અસાધારણ હિંમત અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં તેમના અંગદાન કરવાનો મહાન નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં તેમના સગા સંબંધીઓ દિપેશભાઇ રાજ્યગુરુ, ગોકુલેશભાઈ ગોંડલીયા, મનીષભાઈ ગજેરા, નવનીતભાઈ ભુવા, સંદીપભાઈ ઉંધાડ, સંજયભાઈ ચોવટીયા, સ્નેહલભાઈ ભટ્ટ તથા અન્ય મિત્રોઆ કપરી પરિસ્થિતિમાં પરિવારની સાથે ઉભા રહ્યા હતા.

બેઇન ડેડ ડીકલેરેશન માટે ડો. અનિકેત ગોકુલ હોસ્પિટલ ક્રીટીકલ કેર ટીમ તથા ન્યુરો ફિઝિશિયન ડો. કૌમિલ કોઠારીનો સહયોગ મળ્યો હતો. સમગ્ર પ્રક્રિયા નેફોલોજીસ્ટ ડો. દિવ્યેશ વિરોજા અને તેમની ટીમમાં ડો શક્તિસિંહ ઝાલા, ડો આંનદ, ડો ધીરજ અને બી. ટી. સવાણી કિડની હોસ્પિટલની આઈ.સી.યુ. ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી. હદય માટે સીમ્સ હોસ્પિટલ તથા લીવર માટે ઝાયડસ હોસ્પિટલની ટીમ દ્વારા ઓર્ગન હાર્વેસ્ટ કરવામાં આવ્યા. જ્યારે બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટની બીટી સવાણી હોસ્પિટલમાં જરૂૂરિયાતમંદ દર્દીઓમાં કરાયું હતું. સર્જીકલ ટીમમાં ડો. પંકજ ઢોલરીયા, ડો. સુનિલ મોટેરીયા, ડો. અમિષ મેહતા, ડો. સાહિલ ખાંટ તથા એનેસ્થેસિયા નિષ્ણાત ડો. પ્રતિક બુદ્ધદેવ તેમજ ટીમએ મહત્વનું યોગદાન આપ્યું. તેમજ ડો. હેમલ કણસાગરાની ટીમ દ્વારા ચક્ષુદાનની પ્રક્રિયા કરવામાં આવેલ.

બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર ડો. અમિત ગોહેલ, સી.ઓ.ઓ. ડો. વિશાલ ભટ્ટ તથા સી.એ.ઓ. શ્રી રશ્મિનભાઈ ગોર દ્વારા સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરવામાં આવ્યું. બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના ચેરમેન જયંતીભાઈ ફળદુએ સમગ્ર પ્રક્રિયામાં હાજરી આપી સમગ્ર ટીમને પ્રોત્સાહિત કરેલ. રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં દ્વારા આ 121મું અંગદાન કરવામાં આવ્યું તેમજ હદયનું 7મું અંગદાન થયું જે માટે ડો.દિવ્યેશ વિરોજા, શ્રી હર્ષિતભાઈ કાવર, ડો.સંકલ્પ વણઝારા, ભાવનાબેન મંડલી, નીતિનભાઈ ઘાટલીયા, મનસુખભાઈ તલસાણીયા સહિત સભ્યો ખડેપગે રહી ઓર્ગન ડોનેશન પ્રોસેસ કરાવી હતી.

ખેડૂત પરિવારનો નિર્ણય અન્ય પરિવારોના જીવનમાં ખુશી લાવશે
આ પવિત્ર નિર્ણયને અમલમાં મૂકવા માટે રાજકોટ સ્થિત બી.ટી. સવાણી હોસ્પિટલ ખાતે ઓર્ગન હાર્વેસ્ટિંગની પ્રક્રિયા કરી હતી. જીવનની છેલ્લી ક્ષણોમાં પણ અનેક અજાણ્યા જીવને નવી આશા આપવા જયેશભાઈનાં અંગ દાનરૂૂપે સમર્પિત થયા છે. એક ખેડૂતના અકાળ અવસાનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટ્યો છે, પરંતુ એ જ પરિવારનો આ સંવેદનશીલ અને મહાન નિર્ણય અનેક પરિવારોના જીવનમાં ખુશીના દીવા પ્રગટાવશે. જયેશભાઈ ગોંડલિયા આજે ભલે આપણા વચ્ચે નથી, પરંતુ તેમના અંગદાન દ્વારા તેઓ અનેક લોકોના જીવનમાં સદાય જીવંત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *