મહિલા ફરી પૂર્વ પતિ સાથે રહેવા જવાની વાત જાણવા મળતા પ્રેમીએ છરીના ઘા ઝીંકી દીધા પછી ટ્રેન હેઠળ પડતું મૂકી દીધું
શહેરના કોઠારીયા સોલવન્ટ શીતળાધારમાં રહેતાં મુળ જુનાગઢના બરવાળા-ભેંસાણના મહિલા પર તેના જ પ્રેમીએ વહેલી સવારે છરીથી હુમલો કરી ગળા, છાતી, પેટ પર આડેધડ ઘા ઝીંકી દેતાં ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરાયા છે. પતિ સાથે સાત વર્ષ પહેલા છુટાછેડા લીધા બાદ આ મહિલાએ ગામના જ પુરૂૂષ સાથે મૈત્રીકરાર કર્યા હતાં અને રાજકોટ રહેતાં હતાં.પ્રેમીએ મહિલાની હત્યાનો પ્રયાસ કર્યા બાદ તેમણે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં હાલ આજીડેમ પોલીસ તપાસ કરી રહી છે.
વધુ માહિતી મુજબ, શીતળાધાર 25 વારીયામાં શેરી નં. 29માં શંકર ભગવાનના મંદિર પાસે રહેતાં કાજલબેન ભુપતભાઈ ગોંડલીયા (ઉ.વ.45) સવારે પાંચેક વાગ્યે ઘરે હતાં ત્યારે તેના મિત્ર જુનાગઢ ભેંસાણના બરવાળા ગામેના હિંમત વાળાએ આવી છરીથી હુમલો કરતાં ગળા, છાતી, પેટના ભાગે ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
વધુ વિગતો મુજબ કાજલબેન મુળ મહારાષ્ટ્રના છે. તેમના લગ્ન બરવાળાના ભુપતભાઇ ગોંડલીયા-પટેલ સાથે થયા છે. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. દિકરા સાગરભાઇએ આક્ષેપો સાથે વિગતો આપતાં જણાવ્યું હતું કે મારા માતા કાજલબેનનો સંપર્ક સાતેક વર્ષ પહેલા ગામના જ હિંમત નામના શખ્સ સાથે થયો હતો ત્યારથી માતા અને મારા પિતા વચ્ચે ચડભડ થતી હતી. આ પછી મારા મમ્મીએ છુટાછેડા લઇ લીધા હતાં અને તે રાજકોટ હિંમત સાથે રહેવા આવી ગયા હતાં. આ બંને મૈત્રી કરારથી રહેતાં હતાં. જો કે હિંમત પરણેલો હોઇ અને તેને સંતાન પણ હોઇ તે ગામમાં પોતાના પરિવાર સાથે પણ રહેતો હતો અને રાજકોટ મારા મમ્મી સાથે પણ રહેતો હતો.
હાલમાં હિંમત મોટે ભાગે ગામડામાં તેના પત્નિ સાથે જ રહેતો હોઇ જેથી મારા મમ્મીએ તેની સાથે મૈત્રી કરાર પુરા કરવાનું નક્કી કર્યું હતું અને ફરીથી મારા પિતા સાથે તે રહેવા આવી જાય તેવી વાત થઇ રહી હતી. આ બાબતની જાણ હિંમતને થતાં તેને ગમ્યું નહોતું. આથી તે સવારે પાંચેક વાગ્યે મારા મમ્મી જયાં રહે છે ત્યાં આવ્યો હતો અને વાતચીત કર્યા બાદ તેણીનું મોઢુ દબાવી દઇ છરીથી તૂટી પડયો હતો. બાદમાં તે ભાગી ગયો હતો. આ પછી મારા મમ્મી લોહી નીકળતી હાલતમાં સામે રહેતાં મહિલા પાસે ગયા હતાં અને મદદ માંગતાં તેમણે 108ને અને પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,હિંમત વાળાએ પણ કોઠારીયા સોલવન્ટ પાસે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.હાલ આજીડેમ પોલીસના સ્ટાફે કાર્યવાહી શરૂૂ કરી છે.
કાજલ મરી ગઈ છે તેવું સમજી પ્રેમીએ ટ્રેન નીચે પડતુ મૂકી જીવ દીધો
આ ઘટનામાં પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કાજલ પર જીવલેણ હુમલો કરતા તેણી બેભાન થઈ ગઈ હતી. જેથી તેણી મરી ગયાનો અહેસાસ થતાં હિંમતે ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. હિંમતને સંતાનમાં એક પુત્ર છે હાલ હિંમતના મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો.
