દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને ઘેરી લઇ હુમલો કરતા પોલીસ અધિક્ષક સહિતનો સ્ટાફ દોડી ગયો: બૂટલેગર સહિતના પરિવારના 10 સભ્યો સામે ગુનો નોંધાયો
માળીયા-મિયાણાના ખીરઇ ગામે બૂટલેગર અને તેના પરિવારે દરોડો પાડવા આવેલ પોલીસ ઉપર હુમલો કરતા છ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા બનાવ બાદ જીલ્લા પોલીસ વડા સહીતના અધિકારીઓ ખીરઇ ગામે દોડી ગયા હતા અને હુમલાખોરો સામે કાર્યવાહી કરી હતી 3 પુરૂષ અને 7 મહિલા સહીત 10 સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
માળીયા મીયાણા નો વિસ્તાર હંમેશા સંવેદનશીલ વિસ્તારોમાં આવી રહ્યો છે ત્યારે છેવાળાના વિસ્તારોમાં બુટલેગરો પછાત વિસ્તારનો લાભ લઇ ગેરકાયદેસરના ધંધાઓ કરતા હોય છે જેમાં આજે સાંજે માળિયા મીયાણા પોલીસની ટીમ માળિયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે દેશી અને વિદેશી દારૂૂ સંતળાયો હોવાની પ્રાથમિક બાતમીના આધારે રેડ કરવા ગઈ હતી ત્યારે રેડ કરવા ગયેલ પોલીસ ટીમ પર ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર સહિતના પરિવારજનોના વ્યક્તિઓએ પોલીસને જોતાની સાથે જ મરચાની ભૂકી છાંટી અને હુમલો કર્યો હતો હુમલો કરતા ની સાથે જ રેડ કરવા ગયેલ પોલીસ પાર્ટી દ્વારા પણ સ્વબચાવમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ઈકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર સહિતના અન્ય વ્યક્તિઓ દ્વારા પોલીસ પર હુમલો કરતા આ હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ ફતેસિંહ પરમાર પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ બાબરીયા પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ ઝાલા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ પરમાર પોલીસ કોન્સ્ટેબલ મોમાભાઈ રબારી સહિતનાઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા ની સાથે જ પોલીસ દ્વારા મોટી સંખ્યામાં બંદોબસ્ત ગોઠવી અને આજુબાજુના વિસ્તારમાં સર્ચ પણ હાથ ધરાયું હતું.
આ બાબતે મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી સાથે મોડીરાત્રીના વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે માળિયા પોલીસ ની ટીમ ને દારૂૂની બાતમી મળતા રેડ કરવા ગઈ હતી જેમાં ઈકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર ને તપાસે એ પહેલા જ રેડ કરવા ગયેલ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો ત્યારે ઇજાગ્રસ્ત તમામ પોલીસ કર્મીઓને સારવાર હેઠળ મોકલી હુમલો કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા પોલીસે કવાયત હાથ ધરી છે આ ઉપરાંત ઈકબાલ ઉર્ફે ઇકો હાજી વિરુદ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી 11 ગુનાઓ પણ દાખલ હોવાનું જાણવા મળ્યું છે.
હાલ માળીયા મીયાણા પોલીસ ઇન્સ્પેક્ટર આર સી ગોહિલ ની ટીમે આ મામલે 3 પુરૂષ અને 7 મહીલા સહીત 10 સામે ગુનો નોંધ્યો છે સામા પક્ષના વ્યક્તિઓએ પણ પોલીસે રેડ દરમ્યાન માર માર્યો હોવાના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરેલ હતા જોકે આ મામલે હાલ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી નથી પરંતુ માળીયા પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવા તજવી હાથ ધરાઈ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.