ગુજરાત એસ.ટી અને રાજ્ય સરકાર મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા આપવા હંમેશા તત્પર છે. પરંતુ રાજકોટ ડેપો નો વહીવટ ઘણા સમયથી કથળી ગયો છે અને અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ ચાલે છે. લેખિત રજૂઆતોનો ઉલાળીયો કરી દેવામાં આવે છે અને અધિકારીઓના નાક નીચે યુરીનલમાં લાખો રૂૂપિયાનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. મુસાફરો પાસેથી ઉઘાડી લુટ માં અધિકારીઓની ધૃતરાષ્ટ્ર નીતિ જોવા મળે છે.
રાજકોટ ડેપો ના એક પછી એક ભ્રષ્ટાચારો, બેદરકારી અને લાપરવાહી પ્રકાશમાં આવી રહી છે વધુ એક ભોપાળુ બહાર આવેલ છે. એમાં ગુજરાત એસ.ટી મુસાફરો તરફથી સમિતિને ટેલીફોનિક ફરિયાદ મળતા જણાવ્યું હતું કે હાલ રાજકોટ ડેપો પરથી રાજકોટ થી વેરાવળ, ઉના, દીવ તરફ જતી તમામ બસોનું ઓનલાઈન બુકિંગ અને એડવાન્સ બારી પરથી કાઉન્ટર બુકિંગ બંધ કરી દેવામાં આવેલ છે જીએસઆરટીસી ની ઓનલાઇન એપ્લિકેશનમાં અને કાઉન્ટર બુકિંગમાં પણ આ તરફથી તમામ બસોના ઓનલાઇન રિઝર્વેશન ઉપલબ્ધ નથી. આ અંગે આજ રોજ ફરિયાદ મળતાની સાથે રાજકોટના એસ.ટી બસ પોર્ટ પર ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા રૂૂબરૂૂ કરંટ એડવાન્સ બુકિંગ બારી પર બપોરના 3-45 કલાકે સંપર્ક કરતા જવાબદાર ક્લાર્ક દ્વારા જણાવવામાં આવ્યું કે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને અહીંથી આ તરફ જતી તમામ બસોના બુકિંગ બંધ છે.
આશ્ચર્યની બાબત તો એ છે કે આજરોજ બસ પોર્ટ ના વોલ્વો રૂૂમમાં રાજકોટ થી વેરાવળ, ઉના, દીવ બુકિંગ અંગે પૂછપરછ કરતા જણાવ્યું કે એરકન્ડિશન વોલ્વો બસોમાં અત્યારે તો બુકિંગ ચાલુ છે. જો કે એસ.ટી ડેપો અને વોલ્વો ડેપો ના ડેપો મેનેજર અલગ અલગ છે.
એટલે કે માલેતુજાર મુસાફરો માટે બુકિંગની છૂટ અને એક્સપ્રેસ, ગુર્જર નગરી એક્સપ્રેસમાં જતા ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરો માટે બુકિંગ માટે પાબંદી શા માટે ? રાજકોટ ઉના, દીવ, વેરાવળ તરફ જતી બસોમાં બુકિંગ શા માટે બંધ કરવામાં આવ્યું છે તેની લેખિતમાં ફરિયાદ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા તારીખ – 10/02/2025 થી ફરિયાદ નંબર 143537 થી લેખિત ફરિયાદ કરવામાં આવી છે. કયા કારણથી બુકિંગ બંધ કરેલ છે તેની સ્પષ્ટતા કરવા જણાવાયું છે.
વોલ્વો માં બુકિંગ ચાલુ અન્ય એક્સપ્રેસ બસો માં બુકિંગ બંધ એક ને ગોળને બીજાને ખોળની નીતિ એસ.ટી ના જવાબદાર તંત્ર વાહકો બંધ કરે અને મુસાફરો ને માટે કયા કારણથી અને કેટલો સમય બુકિંગ બંધ રહેશે તે અંગેના લેખિતમાં જાહેરમાં મુસાફરોને દેખાય તે પ્રકારે બોર્ડ લગાવવા અને રાજકોટ શહેરના દૈનિક વર્તમાન પત્રો દ્વારા સ્પષ્ટતા કરે અન્યથા બુકિંગ તાત્કાલિક ચાલુ કરે તેવી માંગ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી છે. આ અંગે સમિતિ દ્વારા ડેપો મેનેજરનો ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું કે બંધ નથી કરી પરંતુ બસમાં જગ્યા નહિ હોય એટલે બસ ફૂલ હશે તો ના પાડી હશે. ડેપો મેનેજરને ખુદ ખબર નથી કે લશ્કર ક્યાં લડે છે ?
