ડો. યાજ્ઞીક રોડ ગોલ્ડન સ્પેસ કોમ્પ્લેક્સમાં સ્ક્યુબ સર્વિસીસ નામે ટૂરની ઓફિસ ધરાવતા એજન્ટ રવિ અરજણભાઈ ગાધેર (રહે. નવલનગર, મવડી પ્લોટ)એ બેંગકોક-પટાયાની ટૂરનું બુકિંગ કરવાના નામે વેપારી પાસેથી 14.82 લાખ મેળવી લઈ પ્લેનની 30 ખોટી ટિકીટો આપી છેતરપિંડી કર્યાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,શાસ્ત્રીનગરમાં રહેતા અને રૈયા ગામમાં શેરી નં. 12માં મલ્હાર બિલ્ડિંગ સામે કાઠીયાવાડ પાઇપ્સ નામે ભાગીદારીમાં પેઢી ચલાવતા દેવીનભાઈ કાંતિલાલ ખાણદર (ઉ.વ.27)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે પેઢીમાં તેના ભાભી ઉપરાંત હિરેન પરમાર ભાગીદાર છે. પેઢી દ્વારા વર્ષમાં ડીલર્સ ટારગેટ પૂરો કરે તેના માટે એકવાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટૂરનું આયોજન કરાઈ છે.
2025માં બેંગકોક-પટાયાની ટૂરનું આયોજન કરાયું છે. આથી અલગ-અલગ ટૂર એજન્સીનો સંપર્ક કરી ટૂરનું એસ્ટીમેન્ટ કઢાવતા આસમયે તેના મિત્રએ આરોપીની ઓફિસની વાત કરતાં ગઇ તા.13-8ના તે તેના મોટાબાપુના પુત્ર અને ભાગીદાર હિરેન સાથે આરોપીની ઓફિસે ગયા હતાં. તેણે આરોપીને અમારા ડીલર્સ માટે બેંગકોક પટાયાની ટૂર જાન્યુઆરી-2026માં આયોજન કરવાનો પ્લાન છે તેમ કહી ટૂરનું એસ્ટીમેન્ટ કઢાવ્યું હતું.
વાત કરતાં આરોપીએ રૂૂા. 2.02 લાખ એડવાન્સ બુકિંગ પેટે આપવા પડશે તેમ આ સમયે આરોપીએ પાંચ દિવસ અને ચાર નાઈટનું પરપર્સન રૂૂા. 40,400 એસ્ટીમેન્ટ આપ્યું હતું. જેથી તેમને યોગ્ય લાગતા હા પાડી 30 ડીલરોને મોકલવાની કહેતા તેને રૂૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. ત્યારબાદ જેમ-જેમ વ્યવસ્થા થતાં તેણે આરોપીને રૂૂા. 14.82 લાખની ચૂકવણી કરી હતી.ત્યારબાદ આરોપીએ તેને ગઈ તા. 22-12-2025ના પ્લેનની ટીકીટ વોટ્સએપથી મોકલી હતી. તેણે 30 લોકોને તા. 4-1-2026ના જવાનું હતું. તેમજ ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી હોવાથી તે ડીલરો સાથે ગઈ તા. 3નાં અમદાવાદ ખાતે જવા રવાના થયા હતાં.
આ સમયે અમદાવાદમાં આરોપી એરપોર્ટ પાસે આવેલી હોટલે પેમેન્ટ લેવાનું છે તેમ કહી ઉતરી ગયો હતો અને તમે એરપોર્ટ પહોંચો હું પાછળથી આવું છું તેમ જણાવ્યું હતું. તે ડીલરો સાથે એરપોર્ટ કાઉન્ટર પર પહોંચી ટીકીટ બતાવતા ત્યાં હાજર સ્ટાફે આ ટીકીટો ખોટી છે, અમારા એરલાઇન્સની આવી કોઈ ટીકીટો હોતી નથી તેમ જણાવતાં તેણે આરોપીને કોલ કર્યો હતો.
પરંતુ તેણે ગલ્લા-તલ્લા કરી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં સ્વીચ ઓફ કરી દીધો હતો.આથી તે ડીલરો સાથે પરત રાજકોટ આવી આરોપીની ઓફિસે જતા ત્યાં આરોપીની પત્ની હાજર હોઈ તેને આરોપી વિશે પૂછતા પોતાને કોઈ જાણ નથી તેમ જણાવી દેતા અંતે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
