ગુજરાત વિધાનસભામાં બોમ્બ ધમકીનો મુદ્દો ગાજશે: સરકારને ઘેરવાની કોંગ્રેસની તૈયારી

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શાળાઓ અને અન્ય મહત્વના સ્થળોએ વારંવાર મળી રહેલી બોમ્બની ધમકીઓનો મુદ્દો હવે રાજ્ય વિધાનસભામાં ગાજશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી સમયમાં આ…

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શાળાઓ અને અન્ય મહત્વના સ્થળોએ વારંવાર મળી રહેલી બોમ્બની ધમકીઓનો મુદ્દો હવે રાજ્ય વિધાનસભામાં ગાજશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી સમયમાં આ ગંભીર સુરક્ષા ચૂક અને સાયબર ક્રાઈમના વધતા જતા કિસ્સાઓ અંગે સરકારને સવાલ પૂછવામાં આવશે. ધારાસભ્ય કિરીટ પટેલે આ અંગે નિવેદન આપતા રાજ્યના ગૃહ વિભાગની નિષ્ક્રિયતા પર આકરા પ્રહારો કર્યા છે.

ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં પરીક્ષાઓનો માહોલ છે ત્યારે વારંવાર મળતી બોમ્બની ધમકીઓ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પહેલેથી જ પરીક્ષાના ટેન્શનમાં હોય છે, ત્યારે આવી ધમકીઓ મળતા સમગ્ર શૈક્ષણિક જગતમાં ડરનો માહોલ ઉભો થાય છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે સાયબર ક્રાઈમના ગુનાઓ સતત વધી રહ્યા છે જે રાજ્યની સુરક્ષા માટે મોટો પડકાર છે.

સરકારની ટીકા કરતા કિરીટ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રીને ધમકી મળતી ત્યારે આરોપીઓ તાત્કાલિક પકડાઈ જતા હતા. પરંતુ છેલ્લા બે મહિનાથી શાળાઓને વારંવાર બોમ્બની ધમકીઓ મળી રહી હોવા છતાં અત્યાર સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. તેમણે ગૃહ વિભાગને માત્ર વાતો કરવાને બદલે નક્કર કામગીરી કરવા અને ગુનેગારોને જલ્દી જેલના સળિયા પાછળ ધકેલવા અપીલ કરી છે.

ધારાસભ્યએ સરકારને અને ગૃહમંત્રીને વિનંતી કરી છે કે વિદ્યાર્થીઓ નિશ્ચિંત થઈને પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. આવી ખોટી ધમકીઓ આપી રાજ્યમાં અરાજકતા અને ભય ફેલાવનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ તેમણે કરી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન વિરોધ પક્ષ આ મુદ્દે આક્રમક તેવર બતાવી સરકાર પાસેથી જવાબ માંગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *