જસદણ-ચોટીલા રોડ પર પોલારપર ગામના પાટિયા નજીક બાઈક અને બોલેરો પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક પર સવાર પતિ-પત્નીના કરુણ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતની ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડુંડસ ગામના રહેવાસી પતિ-પત્ની વહેલી સવારે ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જસદણ-ચોટીલા રોડ પર પોલારપર ગામના પાટિયા નજીક તેમની બાઈક અને બોલેરો પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અકસ્મામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા દંપતીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જસદણની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
મૃતક દંપતીની ઓળખ લાલજીભાઈ વાસિયા અને મુક્તાબેન વાસિયા તરીકે થઈ છે. બંનેના મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વહેલી સવારે માતાજીનાં દર્શન કરીને પરત ફરતા દંપતીને કાળ ભરખી જતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.આજે સવારે મહુવાથી 2 બાઈક પર 2 પરિવાર ચોટીલા દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પરત ફરતા સમયે અકસ્માત નડ્યો. બે પરીવારના આગળ પાછળ બાઈક હતા જેમાં અકસ્માત થયો ત્યાં થી બીજો પરિવાર આશરે એક કિલોમીટર પાછળ હતો. પાછળ આવેલ પરિવારે લોકોના ટોળા જોતા એ પણ સ્થળ પર ઉભા રહી ને જોવા માટે ગયા ત્યારે એમને જાણ થઈ કે આ અકસ્માત થયો છે.
