ધોરાજીના ભોલગામડા નજીક બોગસ શાળા ઝડપાઇ

રાજ્યમાં નકલી અધિકારી, નકલી કોલેજ, નકલી જજ, નકલી ટોલનાકુ, નકલી હોસ્પિટલ, નકલી ખાતર, નકલી દવા બાદ હવે નકલી શાળા ઝડપાવાનો મામલો સામે આવતા ખળભળાટ મચી…

રાજ્યમાં નકલી અધિકારી, નકલી કોલેજ, નકલી જજ, નકલી ટોલનાકુ, નકલી હોસ્પિટલ, નકલી ખાતર, નકલી દવા બાદ હવે નકલી શાળા ઝડપાવાનો મામલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર અને ભોલ ગામડા વચ્ચે બોગસ સ્કૂલ પકડાઈ છે. ભોલ ગામડા ગામની હદમાં જે. જે. કાલરીયા નામની બોગસ સ્કૂલ ધમધમી રહી હતી. જેને લઈને ગ્રામજનો અને જાગૃત નાગરિકોએ મુદ્દો ઉજાગર કર્યો છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે પરંતુ તેમાંથી એક પણ અભ્યાસ કરવા આવતા નથી. ચીખલીયા, ભોલગામડા, છાડવાવદર અને ભોળા એમ ચાર ગામના વિદ્યાર્થીઓનું ભાવિ બગડી રહ્યું છે. આ ચાર ગામના વિદ્યાર્થીઓને ચાર ગામની વચ્ચે આવેલ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ હોવા છતાં 18 કિલોમીટર દૂર ઉપલેટા કે ધોરાજી સુધી ઉંચી ફી આપીને અભ્યાસ માટે જવું પડે છે.


મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી માધ્યમિક સ્કૂલ ચાલી રહી હતી. તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા બેઠા લઈ રહ્યા હતા. ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ધોરણ 9 અને 10ની ગ્રાન્ટ મેળવી રહી હતી. પરંતુ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ વહેલી સવારે સાડા સાત વાગ્યે ત્રાટકી હતી જેમની તપાસમાં પણ ખોટું હોવાનું ખૂલ્યું છે. જોકે, રાજકારણીઓના ઓથના કારણે આ સ્કૂલ ધમધમી રહી હતી. વધુમાં વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય ઓન પેપર થઈ રહ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ લોકો પાસેથી સરકારે તમામ ગ્રાન્ટ, પગાર વગેરે ચૂકવેલ નાણાંની વસુલાત કરી દંડ ફટકારવો જોઈએ તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે તેમજ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી જો આ અંગે યોગ્ય અને તટસ્થ તપાસ કરે તો ઘણાના તપેલા ચડી જાય એમ છે જેમાં ટ્રસ્ટીઓની પણ ખાસ યાદી માંગીને અમુક રાજકીય પક્ષો સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
હાલ તો આ બોગસ સ્કૂલને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સ્કૂલમાં સરકારની ગ્રાન્ટો તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો હોવાની વિગતો સામે આવી છે. આ સિવાય સ્કૂલની હાલત ખખડધજ હાલતમાં છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષથી આ સ્કૂલ જ બંધ છે અને શિક્ષકો માત્ર ચોપડા ઉપર વિદ્યાર્થીઓની હાજરી પુરી સરકારી ગ્રાન્ટ અને અન્ય લાભો લેતા હતા. હવે જોવું એ રહ્યું કે શિક્ષણ મંત્રી દ્વારા શું કોઈ પગલાં લેવાશે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *