ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના બાદલપરા ગામે એક યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. સવારના સમયે ગામ નજીક વહેતી નદીમાં અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો જોવા મળતા ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક વેરાવળ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.
ત્યારબાદ પ્રભાસ પાટણ પોલીસને જાણ કરાતા પોલીસ દળ સ્થળ પર પહોંચ્યું હતું. પોલીસે મૃતદેહનું પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ કાજલી ગામના સેફુલ યુસુફ સુમરા તરીકે થઈ છે.
યુવક અહીં કેવી રીતે પહોંચ્યો અને તેનું મોત કેવી રીતે થયું તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.
પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે. યુવકે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરીને મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યો છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે. આસપાસના લોકો અને યુવકના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે બાદલપરા અને આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ છે. પોલીસે ઝડપી અને નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે.
