હાઇવે ઉપર ટ્રક ખાડામાં ફસાઇ જતા ટ્રાફિકજામથી બચવા શોર્ટકટ લીધો ને દુર્ઘટના ઘટી
યાત્રાધામ વીરપુરમાં ગત રાતથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ગઇકાલે ગંભીર ઘટના સામે આવી હતી. નેશનલ હાઇવેથી સ્વામિનારાયણ ગુરુકુલ થઈ વીરપુર તરફ જવાના માર્ગ પર આવેલી તેલ હોકરા નદીમાં આવેલા પૂર દરમિયાન એક ઇલેક્ટ્રિક કાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ ઘટનામાં કાર ચાલક વૃધ્ધનું મૃતદેહ 26 કલાકે મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે સ્થાનિકોના જણાવ્યા મુજબ કારમાં એકથી બે વ્યક્તિઓ સવાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
બાદમાં SDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઈ હતી. વિવિધ વિભાગોની સંયુક્ત કામગીરીના પરિણામે ભારે જહેમત બાદ પૂરનાં પાણીમાંથી ઇલેક્ટ્રિક કારને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
પ્રાથમિક માહિતી મુજબ જેતપુર રાજકોટ નેશનલ હાઇવે પર વીરપુર પાસે જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર સિક્સ લેનની નબળી કામગીરી અને ખાડામાં ટ્રક ફસાઈ જવાને કારણે કિલોમીટરો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો જેના કારણે ગોંડલના શાસ્ત્રીનગરમાં રહેતા 70 વર્ષીય ભીખુભાઈ ધનજીભાઈ ડોબરીયા સવારે પોતાના કારખાને જવા નીકળ્યા હતા ત્યારે વીરપુર પાસે હાઇવે પર ટ્રાફિકજામથી બચવા તેમણે વીરપુરના અંદરના રસ્તેથી શોર્ટકટ લીધો હતો. સવારે આશરે 7.00 વાગ્યાની આસપાસ તેલ હોકરા નદીના ધસમસતા પ્રવાહમાં તેમની કાર તણાઈ ગઈ હતી.જોકે કારમાં સવાર ભીખુભાઇ ડોબરિયા સમયસર બહાર નીકળી ગયા હતા કે પછી પાણીમાં ગરકાવ થયા છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તંત્ર દ્વારા આ દિશામાં તપાસ અને શોધખોળની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
આ સમગ્ર ઘટનામાં રેસ્ક્યૂ ટીમોની ત્વરિત કામગીરીને કારણે કારને પાણી માંથી બહાર કાઢવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ ગોંડલના 70 વર્ષીય ભીખુભાઈ ધનજીભાઈ ડોબરીયા તરીકે થઈ છે. તંત્ર દ્વારા ભારે કાળજીપૂર્વક મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
