ડ્રેનેજ, વોટર વર્કસ અને બાંધકામના એક વર્ષના કામોનો હિસાબ મ્યુનિ.કમિશનરે આપ્યો
મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પી એજન્ડાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર
મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની પ્રજાલક્ષી કામગીરીની ચર્ચા માટે દર બે માસ દરમિયાન જનરલ બોર્ડ બોલાવવામાં આવતું હોય છે. જેમાં સ્ટેન્ડીંગમાં મંજુર થયેલ અગત્યની દરખાસ્તનો એજન્ડા પણ રજૂ થાય છે. પરંતુ દર વખતે જનરલ બોર્ડમાં વિપક્ષ સભ્ય દ્વારા પ્રશ્ર્નોતરી દરમિયાન દખલગીરી કરવામાં આવે છે તે દરમિયાન શાસકપક્ષ દ્વારા પણ આક્ષેપોના જવાબો આપી બોર્ડનો સમય પૂર્ણ કરી દેવાતો હોય છે. જેમાં આજના જનરલ બોર્ડમાં વિપક્ષના ચારેય કોર્પોરેટરો ગેરહાજર રહેતા શાસકપક્ષના કોર્પોરેટર દ્વારા પુછવામાં આવેલ ડ્રેનેજ, વોટરવર્કસ અને બાંધકામ વિભાગના એક પ્રશ્ર્નના જવાબમાં શાંતિપૂર્ણ બોર્ડની કામગીરી પૂર્ણ થઈ હતી.
મહાનગરપાલિકાના આજના જનરલ બોર્ડમાં સૌપ્રથમ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રધ્ધાંજલી આપ્યા બાદ બોર્ડની કામગીરી શરૂ કરવામાં આવી પ્રથમ પ્રશ્ર્ન ભાજપના કોર્પોેરેટરનો હોવાથી કમિશનર દ્વારા તેનો જવાબ શરૂ કરવામાં આવેલ ડ્રેનેજ, વોટરવર્કસ અને બાંધકામ વિભાગના આજ સુધી થયેલા રૂા. 67261 લાખના 763 કામો પૂર્ણ થયાની યાદી આપવામાં આવેલ તેમજ હાલમાં ચાલુ રહેલા 9321 લાખના 119 કામોની સંપૂર્ણ વિગત મ્યુનિસપલ કમિશનરે બોર્ડમાં આપી હતી. ત્યારે કોર્પોેટર દ્વારા આ તમામ જવાબ લેખીતમાં પણ માંગવામાં આવેલ નિયમ મુજબ પ્રશ્ર્નોતરી દરમિયાન પ્રશ્ર્નનો જવાબ બોર્ડમાં આપવામાં આવતો હોય છે ત્યાર બાદ પ્રશ્ર્ન પુછનારને લેખીત માટે એક કોપી આપવાનો નિયમમાં છે છતાં શાસકપક્ષના કોર્પોરેટરે જવાબ લેખીતમાં પણ માંગતા સૌને આશ્ર્ચર્ય થયું હતું.
જનરલ બોર્ડમાં પ્રશ્ર્નના જવાબ પૂર્ણ થયા બાદ 9 દરખાસ્તનો એજન્ડા રજૂ કરવામાં આવેલ જેમાં શહેરના વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15(વાવડી)ના એફ.પી.15/એ+28/એ માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેટેગરીના મનસુખભાઈ છાપિયા ટાઉનશીપ માં આવેલ કોમ્યુનિટી હોલનું રંજનબેન રાવલ કોમ્યુનિટી હોલ નામકરણ કરવા અંગે સમાજ કાલ્યાણ સમિતિ, સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન ફંડેડ “કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી ડેવેલોપમેન્ટ ઈન ઇન્ડિયા(કેપેસીટીસ) ફેઝ-2 પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેર માટે ઇકલી સાઉથ એશિયા દ્વારા રજુ કરવામાં આવેલ ક્લાઈમેટ રેસીલિએન્ટ સીટી એક્શન પ્લાન – ટુવર્ડસ નેટ ઝીરો ફ્યુચર બાય 2070 અંગે, અરવિંદભાઈ મણીઆર પુસ્તકાલયના બોર્ડમાં સભ્ય તરીકે રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિની નિમણુંક કરવા અંગે માનદ મંત્રીશ્રી, શ્રી અરવિંદભાઈ મણીઆર પુસ્તકાલયનો પત્ર, ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત શહેરની ટી.પી સ્કીમ નં.32(રૈયા) 930 એકર જગ્યામાં વિકસાવવામાં આવેલ અટલ સ્માર્ટ સિટી-રાજકોટ વિસ્તારમાં ભારત દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મુકવા અંગે સમાજ કાલ્યાણ સમિતિ, સ્માર્ટઘર-4(વીર તાત્યાટોપે ટાઉનશીપ) અને સ્માર્ટઘર-6(શહીદ રાજગુરૂૂ ટાઉનશીપ) યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આવાસોની કિંમત નક્કી કરવા અંગે, સન ટુ હ્યુમન રાજકોટ પરિવાર દ્વારા પરમ પુજ્ય અલયજીની શિબિરના આયોજન માટે રેસકોર્ષ વિભાગ-એ-બી, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવામાં આવેલ જે બહાલ રાખવા અંગે, રાજકોટ રનર્સ એસોશિયેશન દ્વારા નાઈટ હાફ મેરેથોનના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવામાં આવેલ જે બહાલ રાખવા અંગે, શહેરના વોર્ડ નં.11માં પંચશીલનગરની બાજુમાં આવેલ મવડી સ્મશાનની આગળના ચોકનું કલ્પેશ સાગઠીયા ચોક નામકરણ કરવા અંગે સમાજ કલ્યાણ સમિતિ ઠરાવ નં.18 તા.08/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ સહિતની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.
પોલીસે ચેક કરતા કોર્પોરેટરોમાં કચવાટ
મનપાના જનરલબોર્ડમાં આવતા તમામ વ્યક્તિઓની ચકાસણી બોર્ડના ગેઈટ ઉપર તૈનાત પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. અગાઉ કોર્પોરેટરો તેમજ અધિકારીઓને ચકાસવામાં ન આવતા પરંતુ જનરલ બોર્ડમાં વિપક્ષો દ્વારા બેનરો તેમજ નિયમ વિરુદ્ધના સાહિત્ય લઈ જવાતા હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ ચેકીંગ કામગીરી કડક બનાવવામાં આવી છે. જેતમામને લાગુ કરાતા આજના જનરલ બોર્ડમાં પણ બોર્ડમાં પ્રવેશતા તમામ કોર્પોરેટરની પોલીસ દ્વારા ચકાસણી કરાતા કોર્પોરેટરોમાં નારાજગી સાથે કચવાટ જોવા મળ્યો હતો.
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ
ભારત દેશના પૂર્વ વડાપ્રધાન, પ્રખર અર્થશાસ્ત્રી અને વૈશ્વિકીકરણ-ઉદારીકરણ નીતિના પ્રણેતા ડો.મનમોહનસિંહનું તા.26/12/2024ના રોજ દુ:ખદ અવસાન થવાથી, રાજકોટ મહાનગરપાલિકાની આજની આ સામાન્ય સભા ઊંડા દુ:ખની લાગણી અનુભવે છે. ડો.મનમોહનસિંહ દેશના ચોથા સૌથી લાંબા સમય સુધી એટલે કે વર્ષ 2004 થી 2014 સુધી વડાપ્રધાન પદ પર રહેલ હતા. ડો.મનમોહનસિંહે વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે, યોજના આયોગના પ્રમુખ તરીકે, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે તેમજ દેશના નાણામંત્રી તરીકે સેવા આપી હતી. તેઓના નાણામંત્રી તરીકેના કાર્યકાળમાં તેઓએ આર્થિક સુધારા કરી, ભારત દેશને આર્થિક મંદીમાંથી બહાર લાવવા મહત્વનું યોગદાન આપેલ હતું. પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતના આત્માને મોક્ષગતિ પ્રદાન કરે તેમજ સદ્દગતના પરિવાર પર આવી પડેલ આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
વિપક્ષને પ્રજાના કામમાં રસ જ નથી: જયમીન ઠાકર
મહાનગરપાલિકાના આજના જનરલ બોર્ડમાં શાસકપક્ષના એટલે કે ભાજપના મોટાભાગના કોર્પોરેટરો હાજર હતાં પરંતુ કોંગ્રેસના ચુંટાયેલા ચાર કોર્પોરેટરોમાંથી એક પણ કોર્પોરેટર હાજર ન રહેતા આજે વિપક્ષ વગર બોર્ડની કામગીરી શરૂકરવામાં આવેલ ત્યારે સ્ટેન્ડીંગચેરમેન જયમીનભાઈ ઠાકરે બોર્ડ અધ્યક્ષને સંબોધીને જણાવેલ કે, કોંગ્રેસના સભ્યોને વિકાસના કામમાં રસ જ નથી ગઈકાલે વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયાને ફોન કરેલ ત્યારે તેઓએ કહેલ કે હું બોર્ડમાં આવું જ છું પણ આજે તેઓ પણ આવ્યા નથી. આથી વિપક્ષના તમામ સભ્યોની ગેરહાજરીની બોર્ડ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે તેમ જણાવ્યું હતું.
