ભૂતકાળમાં વજુભાઈ વાળા, વિજય રૂપાણી, અરવિંદ રૈયાણી, કેશુભાઈ પટેલ, ઉમેશ રાજ્યગુરુ, ગોવિંદભાઈ પટેલ સહિતના અનેક અગ્રણીઓ મંત્રી પદે રહી ચૂક્યા છે, પરંતુ વર્તમાન સરકારે રાજકોટને ઠેંગો બતાવી દીધો
અનેક ચર્ચાઓ બાદ આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થયું. જે 26 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા તેમાં સૌથી ચોકાવનારી બાબત એ હતી કે રાજકોટમાંથી કોઈને પણ મંત્રી બનાવવામાં આવ્યા નથી. રાજકોટ જિલ્લામાંથી જયેશ રાદડિયા ઉપરાંત ડોક્ટર દર્શિતા શાહ, ઉદય કાનગડ સહિતના નામોની ચર્ચા ચાલી હતી. પરંતુ રાજકોટ જિલ્લામાંથી એકમાત્ર મંત્રી તરીકે કુવરજીભાઈ બાવળીયા કે જેમાં મૂળ કોંગ્રેસી છે તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે.
રાજકોટ હમેશા ભાજપનો ગઢ રહ્યો છે. ભાજપની લેબોરેટરી પણ રાજકોટ રહી છે. ભૂતકાળમાં રાજકોટ એ કેશુભાઈ પટેલ અને વિજય રૂૂપાણી જેવા દિગજ નેતાઓને મુખ્યમંત્રી તરીકેની પણ ભેટ આપી છે. પરંતુ આ વખતે રાજકોટનો કક્કો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કાઢી નાખ્યો છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની પોલિટિકલ કેરિયરની શરૂૂઆત રાજકોટથી કરી હતી અને ધારાસભ્ય બન્યા હતા. પરંતુ એ રાજકોટમાંથી આજે એક પણ ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા નથી.
ભૂતકાળમાં ડોકિયું કરીએ તો રાજકોટના વજુભાઈ વાળા વર્ષો વરસ ગુજરાત સરકારમાં નાણામંત્રી તરીકે રહી ચૂક્યા છે. તેમના પછી પણ વિજય રૂૂપાણી ધારાસભ્ય બન્યા ત્યારે પાણી પુરવઠા મંત્રી બન્યા હતા એ ઉપરાંત ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી પણ મંત્રી બન્યા છે. ઉમેશ રાજ્યગુરુ પણ પોર્ટ મિનિસ્ટર બની ચૂક્યા છે.
ભૂતકાળમાં પણ અનેક દિગ્ગજો ગુજરાત સરકારમાં મંત્રી પદ ભોગવી ચુક્યા છે. પરંતુ આ વખતે મવડી મંડળે રાજકોટને મંત્રી પદની રેસમાંથી બહાર કાઢી નાખ્યું છે. અન્ય શહેરોની વાત કરીએ તો મુખ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ બંને અમદાવાદના છે ઉપરાંત દર્શનાબેન વાઘેલાને પણ આ વખતે મંત્રી પદ આપવામાં આવ્યું છે. સુરતમાંથી પણ હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. વડોદરામાંથી મનીષા વકીલને મંત્રી પદ આપવામાં આવ્યું છે. એકમાત્ર રાજકોટને ઠેંગો બતાવી દેવામાં આવ્યો છે.
વિજય રૂૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ ગુજરાત ભાજપનું રાજકોટ પ્રત્યે ઓરમાયું વર્તન ભુપેન્દ્રભાઈની સરકારમાં જોવા મળ્યું છે તેમાં વધારો થયો છે. હવે માત્ર અહીં ચાર ધારાસભ્યો માત્ર એમએલએ જ રહ્યા છે. જ્યારે પોરબંદર જેવા નાના શહેરમાંથી પણ અર્જુન મોઢવાડિયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તો પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયાને પણ કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. પરંતુ રાજકોટના ભાગે માત્રને માત્ર ગુડબાય કહી દેવામાં આવ્યું છે.
