ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સેવાદળ પ્રમુખ તેમજ પ્રખર નેતા લાલજી દેસાઈએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, વિપક્ષના અવાજને દબાવવા માટે સરકાર હીન કક્ષાના કાવતરાં ઘડી રહી છે.
લાલજી દેસાઈએ આક્ષેપ કર્યો છે કે, જે રીતે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર ખોટી POCSO FIR નોંધવામાં આવી હતી, તે જ પેટર્ન હવે ગુજરાતમાં દોહરાવવાની તૈયારી ચાલી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, વિધાનસભાના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય તથા કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી વિરુદ્ધ કોઈ મહિલા દ્વારા ખોટી ફરિયાદો ઊભી કરીને તેમને જેલમાં ધકેલવાનું ષડયંત્ર ભાજપ સરકાર દ્વારા રચાઈ રહ્યું છે.
આ આરોપનું મુખ્ય કારણ જિગ્નેશ મેવાણીની તાજેતરની સક્રિયતા છે. તેમણે ગુજરાતમાં ખુલ્લેઆમ ચાલતા દારૂૂ તથા ડ્રગ્સના વેપારના મુદ્દે સરકારને ભીંસમાં લીધી છે. બનાસકાંઠા, વાવ-થરાદ સહિત અનેક વિસ્તારોમાં મહિલાઓની રજૂઆત બાદ મેવાણીએ પોલીસને કડક કાર્યવાહીની માંગ કરી હતી, જેનાથી સ્થાનિક માફિયા તંત્ર ફફડી ઉઠ્યું હોવાનું માનવામાં આવે છે.
લાલજી દેસાઈએ આકરા શબ્દોમાં કહ્યું કે, “દારૂૂ-ડ્રગ્સના માફિયાઓને પકડવાને બદલે સરકાર અવાજ ઉઠાવનારા નેતાઓ સામે ’હની ટ્રેપ’ કે ખોટી મહિલા ફરિયાદો જેવા હથિયારો વાપરી રહી છે. આ લોકશાહીની હત્યા છે.” તેમણે ચેતવણી આપી છે કે, જો આવું કોઈ પગલું ભરવામાં આવશે તો આખી ગુજરાત કોંગ્રેસ એકજૂથ થઈને લડશે.
આ મુદ્દે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે આરોપોની તપાસ અને પ્રતિક્રિયા જરૂૂરી છે. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતનું રાજકારણ વધુ ગરમાશે તેવી શક્યતા વધી ગઈ છે.
