જામનગર મહાનગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીએ શહેરના આગામી વિકાસનો રોડમેપ રજૂ કરતું ’સંકલ્પ પત્ર’ વિધિવત રીતે જાહેર કર્યું છે. આ સંકલ્પ પત્રમાં જામનગરને વધુ આધુનિક, સુવિધાજનક અને હરિયાળું બનાવવા માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને શહેર ભાજપ સંગઠનના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ સંકલ્પ પત્રમાં શહેરના પાયાના પ્રશ્નોથી લઈને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીની વિવિધ બાબતોને આવરી લેવામાં આવી છે.
ટ્રાફિક અને પરિવહન ક્ષેત્રે શહેરને ’ફાટક મુક્ત’ બનાવવાનો સંકલ્પ લેવાયો છે. ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટેનું આયોજન રજૂ કરાયું છે અને પર્યાવરણને અનુકૂળ પીએમ ઈ-બસ યોજનાનો અમલ પણ કરાશે.
પર્યાવરણ અને હરિયાળી માટે ગ્રીન રિંગ રોડ પ્રોજેક્ટ, અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ અને ગ્રીન કવરેજમાં વધારો કરીને શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
જળ સંચય માટે તળાવોનું નવીનીકરણ, નવા તળાવોનો વિકાસ અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. વરસાદી પાણીના સંગ્રહ માટે ’કેચ ધ રેઈન’ અભિયાન પણ ચલાવવામાં આવશે.
આવાસ અને પાણીની સુવિધા માટે દરેકને પોતાનું ઘર મળે તે હેતુથી આવાસ યોજનાઓ, 1404 રી-ડેવલપમેન્ટ યોજના અને ’નલ સે જલ’ યોજના હેઠળ શુદ્ધ પાણીની સુવિધા પૂરી પાડવાનું લક્ષ્ય છે.રિન્યુએબલ એનર્જી અને સોલાર પેનલ્સનો વ્યાપ વધારવામાં આવશે.સાથે ઈ-લાઈબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે.
સ્વચ્છતા અને સુવિધા માટે વેસ્ટ ટુ વન્ડર પાર્ક, રિયુઝ વેસ્ટ વોટર પ્લાન્ટ અને ભૂગર્ભ ગટર નેટવર્કનું સઘન આયોજન કરાયું છે. આ ઉપરાંત, ચેલા પાસે ત્રીજા સ્મશાન ગૃહનું નિર્માણ પણ પ્રસ્તાવિત છે.
અન્ય સુવિધાઓમાં રખડતા પશુઓ પર નિયંત્રણ, નવા ફાયર સ્ટેશનોની સ્થાપના, સ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રોત્સાહન અને બેડી પોર્ટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન સામેલ છે.”વિકાસ ભી, વિરાસત ભી” ના મંત્ર સાથે ભાજપે જામનગરની જનતાને સુવિધાસભર બનાવવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે.
