મૃતક ઘનશ્યામ રાજપરાના પરિવારને સંમેલનમાં ન જવા પ્રલોભનો આપતા હોવાથી ખળભળાટ
રાજકોટ જિલ્લાનાં વિંછીયામાં કોળી સમાજનાં સંમેલન પહેલા ભાજપનાં નેતા સોનલ વસાણીની એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે, જેના પછી ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઓડિયો ક્લીપમાં સોનલ વસાણી મૃતક યુવકના પરિવાર સાથે વાતચીત કરે છે અને તેમને મનામણા કરી ચેનકેન પ્રકારે સંમેલનમાં ન જવા માટે પ્રલોભનો આપી રહ્યા હોવાનું જણાય છે.
રાજકોટ જિલ્લા વિંછીયા તાલુકામાં 9 માર્ચનાં રોજ કોળી સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલન પહેલા એક બાદ એક ઓડિયો અને વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક ઓડિયો વાઇરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. માહિતી અનુસાર, આ વાઇરલ ઓડિયો ક્લીપ ભાજપના નેતા સોનલ વસાણીની હોવાનું જાણવા મળ્યું છે. આ વાઇરલ ઓડિયો ક્લીપમાં સોનલ વસાણી મૃતક યુવકના પરિવાર સાથે વાતચીત કરે છે અને ચેનકેન પ્રકારે સંમેલનમાં ન જવા માટે પ્રલોભનો આપતા જણાય છે.
વાઇરલ ઓડિયો ક્લીપમાં સોનલ વસાણી કહેતા સંભળાય છે કે, પબહારના કોઈ તમારી મદદ નહીં કરે. તમારા છોકરાના અભ્યાસની જવાબદારી લઈશું. તમારું ઘર પણ બનાવી આપીશું.થ દરમિયાન, સોનલ વસાણીએ સંમેલનમાં ન જવા વીડિયો બનાવવા પણ કહ્યું હતું. જ્યારે પીડિત પરિવારે કહ્યું હતું કે, આગેવાનો સાથે ચર્ચા કરીને કહીશું.
કોળી સમાજનાં યુવક ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી. હત્યા બાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. દરમિયાન, આરોપીઓ પર પથ્થરમારો થયો હતો. પોલીસે લગાવેલી કલમોને લઈને કોળી સમાજમાં ભારે રોષ છે. જ્યારે કુંવરજી બાવળિયા એકપણ વખત પીડિત પરિવારને મળવા ગયા નથી. ત્યારે, સોનલ વસાણી એ કુંવરજી બાવળિયાના નજીકના હોવાથી પીડિત પરિવારને ફોન કર્યો હોવાની ચર્ચાઓ વેગવંતી થઈ છે.