સૌથી વધુ વોર્ડ નં.7માં ટિકિટ માટે 48 દાવેદાર, વોર્ડ નં.9 અને 3 માં પણ ધસારો
જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના 16 વોર્ડ ની 64 બેઠકો માટેની દાવેદારો ની સેન્સ ની પ્રક્રિયા બે દિવસના મંથન બાદ આખરે પૂર્ણ થઈ છે. કુલ 1,575 દાવેદારો એ ફોર્મ ઉપાડયા હતાં. જેની સામે 583 એ ટિકીટ માટે દાવા કર્યા છે. નિરીક્ષકોની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયાને આખરે ગઈકાલે રાત્રે પૂર્ણ કરવામાં આવી છે, અને વોર્ડવાર આંકડા જાહેર કરાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર પ્રક્રિયા બે ઝોનમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.
જેમાં ઝોન-1 (વોર્ડ 1 થી 8) માટે ફ્રેન્ડ્સ હોલ ખાતે યોજાયેલી પ્રક્રિયામાં નિરીક્ષકો તરીકે કેશવલાલ પટેલ (કેશુભાઈ), ભૂષણભાઈ ભટ્ટ અને તેજલબેન નાયી હાજર રહ્યા હતા. આ ઝોનમાં કુલ 277 દાવેદારો નોંધાયા હતા. અને ઝોન-2 (વોર્ડ 9 થી 16) માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે અમિતભાઈ ઠાકર, નૌકાબેન પ્રજાપતિ અને ગૌતમભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કુલ 306 દાવેદારો નોંધાયા હતા.
વોર્ડવાર દાવેદારોની સંખ્યા ની દ્રષ્ટિએ વોર્ડ 1માં 25, વોર્ડ 2માં 28, વોર્ડ 3 માં 47, વોર્ડ 4મસ 27, વોર્ડ પાંચમા 34, વોર્ડ 6માં 25, વોર્ડ 7માં 48, વોર્ડ 8માં 43, વોર્ડ 9માં 46, વોર્ડ 10માં 43, વોર્ડ 11માં 43, વોર્ડ 12માં 05, વોર્ડ 13માં 45, વોર્ડ 14 માં 44, વોર્ડ 15માં 40, અને વોર્ડ ના 16માં 40 દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા અને આ રીતે સમગ્ર સાયન્સ ની પ્રક્રિયા પૂર્ણ કરી દાવેદારોની યાદી તૈયાર કરીને પ્રદેશમાં મોકલી આપવામાં આવી છે. જામનગર મહાનગરમાં બી.જે.પી.માં કુલ 583 દાવેદારો સેન્સની પ્રક્રિયામાં જોડાયા હતા, જે ભાજપમાં ટિકિટ માટેની સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવે છે. હવે પાર્ટી દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે અંતિમ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આમ આદમી પાર્ટીએ વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી
જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પક્ષ દ્વારા વિવિધ વોર્ડમાંથી ઉમેદવારો જાહેર કરતાં ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે.
જાહેર કરાયેલા ઉમેદવારોના નામ ની યાદી પર નિરીક્ષણ કરીએ તો વોર્ડ નં. 3માં શીતલબેન રાજેશભાઈ પટેલ, વોર્ડ નં. 4 રવિભાઈ નાઝાભાઈ ખરા, વોર્ડ નં. 7 માં જ્યોતિબેન સુરેશભાઈ ગોંડલીયા, વોર્ડ નં. 8 માં કલ્પેશભાઈ લીંબાસીયા, વોર્ડ નં. 8 માં નંદકિશોરભાઈ સવાણી, વોર્ડ નં. 9 માં સુનિલભાઈ નંદલાલભાઈ આશર, વોર્ડ નં. 10માં કિરીટ દૌડિયા, વોર્ડ નં. 13માં જિજ્ઞાસાબેન બીપીનભાઈ કડીવાર, વોર્ડ નં. 14 માં હિંમતભાઈ ભદ્રા, વોર્ડ નં. 14 માં ઉલાષબા જાડેજા અને વોર્ડ નં. 14 માં કિશોરભાઈ ધીરજલાલ મેણીયા, વોર્ડ નં. 15 મા કંકૂબેન બારૈયા, અને વોર્ડ નં. 16 માં રસિકભાઈ ગોહિલ વગેરે નો સમાવેશ થાય છે.
આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની વધુ યાદી જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે. પક્ષ દ્વારા ટૂંક સમયમાં બાકીના ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
