વોર્ડ નં.3માં ભાજપના બેનરોમાં તોડફોડ, કોંગ્રેસ ઉપર શંકા

શેઠનગર, માધાપર, નંદનવન સહિતના સ્થળે દસેક પોસ્ટર અને ત્રણ કાર્યાલયના હોર્ડિંગ ફાડી નાખ્યા રાત્રીના અંધારામાં અજાણ્યા શખ્સોનું પરાક્રમ, CCTVના આધારે શોધખોળ કરી પોલીસ ફરિયાદની તજવીજ…

શેઠનગર, માધાપર, નંદનવન સહિતના સ્થળે દસેક પોસ્ટર અને ત્રણ કાર્યાલયના હોર્ડિંગ ફાડી નાખ્યા

રાત્રીના અંધારામાં અજાણ્યા શખ્સોનું પરાક્રમ, CCTVના આધારે શોધખોળ કરી પોલીસ ફરિયાદની તજવીજ

રાજકોટ મહાનગર પાલિકાની ચુંટણીમાં મતદારોના મૌન અને નિરુત્સાહના કારણે ઉમેદવાર અને કાર્યકરો હવે અકળાયા હોય તેમ વોર્ડ નં. 3 માં ગઇકાલે મોડી રાત્રે અંધારાનો લાભ લઇ અજાણ્યા શખ્સોએ ભાજપના ધ્વજ તેમજ મોરચાના પોસ્ટર અને ત્રણ કાર્યાલયના હોર્ડિંગમાં તોડફોડ કરવા સામે આઘાત મનદુ:ખ વ્યાપેલ છે. આ તોડફોડની ઘટના અંગે ભાજપના નેતાઓ – ઉમેદવારોને કોંગ્રેસના કાર્યકરો ઉપર શંકા હોય, સીસીટીવીના આધારે તોડફોડ કરનારાઓની ઓળખ કરી પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં હવે ચુંટણી આડે માત્ર અઠવાડીયુ જ બાકી છે ત્યારે વોર્ડ નં. 3 માં ભાજપના ઉમેદવાર અને પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાના વોર્ડમાં તોડફોડની ઘટના બનતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આ ઘટનાના પ્રત્યાઘાતો પડવાની શક્યતા દર્શાઈ રહી છે.

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 3 માં બનેલી તોડફોડની તાજેતરની ઘટનાએ શહેરના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનાને પગલે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સ્થિતિ વચ્ચે ગઇકાલે મોડી રાત્રે વોર્ડ નંબર 3 માં અજાણ્યા શખ્સો દ્વારા ભાજપના પ્રચાર પ્રસારના સાધનોમાં તોડફોડ કરવામાં આવતા રાજકીય વાતાવરણ તંગ બન્યું છે.

વોર્ડ નંબર 3 ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાના વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે તોફાની તત્વોએ અંધારાનો લાભ લીધો હતો. ભાજપના ત્રણ મુખ્ય ચૂંટણી કાર્યાલયના હોર્ડિંગ્સ, ભાજપના ધ્વજ તેમજ અન્ય સંગઠનોના પોસ્ટરોમાં વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. શહેરના શેઠનગર, માધાપર અને નંદનવન, રેલનગરના જલિયાણ ચોક, શ્રધ્ધા રેસિડેન્સી, જાનકી વાટિકા, નવરંગ પરા સહીતના વિસ્તારોમાં પોસ્ટરફાડી નાખવામાં આવ્યા હતા. તેમજ માધાપર સહીત ત્રણ ચુંટણી કાર્યાલયને પણ આ ટીખળ ટોળકીએ નિશાન બનાવી કાર્યાલયમાં પણ પોસ્ટર ફાડી તોડફોડ કરી હતી અને હોર્ડિંગ્સને નુકસાન કર્યું હતું.

સવારે જ્યારે કાર્યકરો કાર્યાલયે પહોંચ્યા ત્યારે તોડફોડની આ ઘટના સામે આવતા ભાજપના નેતાઓ અને ઉમેદવારોમાં ભારે આઘાત અને મનદુ:ખ જોવા મળ્યું હતું. નરેન્દ્રસિંહ જાડેજા સહિતના ભાજપના નેતાઓએ આ કૃત્યને લોકશાહી વિરોધી ગણાવ્યું છે. ભાજપના નેતાઓનો સીધો આક્ષેપ છે કે વિરોધ પક્ષ કોંગ્રેસના કાર્યકરોએ હારના ડરથી આ પ્રકારનું હીન કૃત્ય કર્યું હોઈ શકે છે.

ભાજપ દ્વારા આ મામલે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવીને તોડફોડ કરનારા શખ્સોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પુરાવાઓ એકત્રિત કર્યા બાદ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે. રાજકોટમાં બનેલી આ ઘટનાના ઘેર પડઘા પડ્યા છે. ઉમેદવારો અને કાર્યકરો રાત-દિવસ એક કરીને પ્રચાર કરી રહ્યા છે ત્યારે સ્થિતિમાં તોડફોડની ઘટનાઓએ અજંપામાં વધારો કર્યો છે.

ચૂંટણીને હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી છે ત્યારે આ તોડફોડની ઘટનાને કારણે રાજકોટના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. વોર્ડ નં. 3 ના આ કિસ્સાની અસર અન્ય વોર્ડમાં પણ પડવાની શક્યતા છે. પોલીસ માટે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવી હવે મોટો પડકાર બની રહેશે. આ ઘટના બાદ ભાજપના કાર્યકરોએ રાત્રિના સમયે કાર્યાલયો પર પહેરો વધારી દીધો છે. જોકે આ પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજ બાદ જ સ્પષ્ટ થશે.

સ્કુૂટર ઉપર આવેલા બે શકમંદો સીસીટીવીમાં કેદ,પોલીસ તપાસ
રાજકોટના વોર્ડ નં. 3 માં ભાજપના ચૂંટણી કાર્યાલય અને પોસ્ટરોમાં થયેલી તોડફોડની ઘટનામાં મહત્વના પુરાવા સામે આવ્યા છે. 10 જેટલા સ્થળે પોસ્ટર ફાડવાની બનેલી આ ઘટનામાં સીસીટીવી ચેક કરતા એકટીવા કે એક્સેસ જેવા સ્કુટર ઉપર આવેલ બે શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા મોડી રાત્રે સ્કૂટર ઉપર આવેલા બે શંકાસ્પદ શખ્સો કેદ થયા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે આ શખ્સો અંધારાનો લાભ લઈને પોસ્ટર પાસે ઉભા રહે છે અને તોડફોડ કરીને તુરંત ફરાર થઈ જાય છે. ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાએ આ ફૂટેજ પોલીસને સુપરત કર્યા છે. પોલીસે આ વીડિયોના આધારે સ્કૂટરના નંબર અને શખ્સોના વર્ણનની મદદથી શોધખોળ તેજ કરી છે. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હોવાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ રાત્રિ પેટ્રોલિંગ પણ વધારી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *