કેનેડાની પોલીસના એક ગુપ્ત અહેવાલમાં ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે ભારતનો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ હોવા છતાં આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્ક ચલાવી રહ્યો છે અને તે ભારત સરકાર માટે કામ કરી રહ્યો છે. આ અહેવાલ એવા સમયે કેનેડાના મીડિયામાં સામે આવ્યો છે જ્યારે ભારત અને કેનેડા ફરી વેપાર ચર્ચા શરૂ કરી છે.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસનો આ ક્લાસિફાઇડ રિપોર્ટ કેનેડાની મીડિયા સંસ્થા ગ્લોબલ ન્યૂઝને મળ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્નોઇ જેલમાં હોવા છતાં ખંડણી વસૂલાત, ડ્રગ્સની તસ્કરી અને સોપારી હત્યાઓ જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહ્યો છે.
રિપોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે બિશ્નોઇ ગેંગ કેનેડામાં પોતાની હિંસક પ્રવૃત્તિઓ વિસ્તારી રહી છે અને સાથે સાથે શીખ અલગાવવાદીઓ તથા અન્ય ખતરાઓને નિશાન બનાવવા માટે ભારત સરકાર માટે કામ કરી રહ્યો છે.
આ ગુપ્ત અહેવાલ એવા સમયે જાહેર થયો છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી તણાવ બાદ વેપાર ચર્ચા ફરી શરૂૂ થવાની સંભાવના છે. લોરેન્સ બિશ્નોઇ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. બુધવારે ગ્લોબલ ન્યૂઝ દ્વારા આ દાવાઓ જાહેર થયા બાદ પણ ભારત સરકાર ગુજરાત જેલ વિભાગ અથવા ભારતીય હાઇ કમિશન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
કેનેડાએ પહેલી વખત 15 ઓક્ટોબર 2024ના રોજ જાહેર રીતે આરોપ મૂક્યો હતો કે ભારતીય એજન્ટો લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમની પાસે ભારત સરકારના એજન્ટો દ્વારા બિશ્નોઇ નેટવર્ક સાથે સંકલનમાં વ્યાપક ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી હોવાની મહત્વપૂર્ણ માહિતી હતી. ભારતે આ તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા અને તેને બિનઆધારભૂત તથા રાજકીય હેતુસર પ્રેરિત ગણાવ્યા હતા. ભારતે છ કેનેડિયન રાજદૂતોને દેશ બહાર કાઢ્યા હતા અને ઓટાવાથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા હતા.
રિપોર્ટ મુજબ લોરેન્સ બિશ્નોઇ 2015થી ભારતની જેલમાં બંધ છે પરંતુ તેમ છતાં તેણે પોતાની ગુનાહિત સંસ્થા ચલાવવાનું ચાલુ રાખ્યું છે. તે પોતાના સહયોગી ગોલ્ડી બ્રાર એટલે કે સતિંદરજીત સિંહ સાથે મળીને આશરે 700 સભ્યોનું નેટવર્ક સંચાલિત કરે છે જે ભારત ઉત્તર અમેરિકા યુરોપ સહિત અનેક દેશોમાં ફેલાયેલું છે. કેનેડામાં આ ગેંગની હાજરી ખંડણી વસૂલાત અને ગોળીબારની અનેક ઘટનાઓ સાથે જોડાઈ છે. કેનેડા પોલીસના જણાવ્યા મુજબ ગેંગ પૈસા ધોળા કરવાના કારોબાર અને સોપારી હત્યાઓ માટે હિંસાનો ઉપયોગ કરે છે.
ભારતીય એજન્સીઓએ બિશ્ર્નોઇ ગેંગનો ખાલિસ્તાનીઓ સામે ઉપયોગ કર્યો
આરોપોમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય સરકારી અધિકારીઓએ બિશ્નોઇ જેવી ગેંગનો ઉપયોગ કરીને ખાલિસ્તાન સમર્થક નેતાઓ પર હુમલાઓ કરાવ્યા છે. તેમાં 2023માં બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને વિન્નિપેગમાં સુખદૂલ સિંહની હત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતે બંનેને આતંકવાદી જાહેર કર્યા હતા. રિપોર્ટ મુજબ ટ્રેસ કરેલા સંદેશાઓ નિજ્જરની હત્યા સાથે ભારતીય ઉચ્ચ અધિકારીઓને જોડે છે અને આ કારણે ભારત અને કેનેડા વચ્ચેના રાજનૈતિક તણાવમાં વધારો થયો છે.
