સુરેન્દ્રનગર કલેકટર પર EDની રેડમાં મોટા માથાનો દોરી સંચાર: નૌશાદ સોલંકી

સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપોસર પડેલી ED ની રેડ બાદ એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસે આ કાર્યવાહી સામે…

સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપોસર પડેલી ED ની રેડ બાદ એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસે આ કાર્યવાહી સામે શંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસના નેતા નૌશાદ સોલંકી કલેક્ટરના બચાવની મુદ્રામાં જોવા મળ્યા હતા અને તેમણે આ કાર્યવાહીને એક ચોક્કસ સમાજના અધિકારીને નિશાન બનાવવાનું કાવતરું ગણાવ્યું હતું.

નૌશાદ સોલંકીએ સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરના કલેક્ટર એક આશાસ્પદ પાટીદાર ઓફિસર હતા અને તેમનો ભોગ લેવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારના કેસમાં જ્યારે તટસ્થ તપાસની અપેક્ષા હોય છે, ત્યારે કોંગ્રેસ દ્વારા અધિકારીની જ્ઞાતિનો ઉલ્લેખ કરીને ’વિક્ટિમ કાર્ડ’ રમવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓ શરૂૂ થઈ છે. સોલંકીના મતે, આ કાર્યવાહી પાછળ રાજકીય ઈરાદાઓ હોઈ શકે છે.

સરકારી તંત્રમાં ભયનો માહોલ હોવાનો દાવો કરતા નૌશાદ સોલંકીએ કહ્યું હતું કે, “આજની સ્થિતિએ ગુજરાતનો એકપણ કલેક્ટર સલામત નથી.” તેમણે એવો ઈશારો કર્યો હતો કે જો કોઈ અધિકારી શાસક પક્ષ કે સ્થાનિક રાજકારણીઓની મરજી વિરુદ્ધ જાય તો તેને કેન્દ્રીય એજન્સીઓનો ડર બતાવવામાં આવે છે.
ED જેવી કેન્દ્રીય એજન્સીની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવતા સોલંકીએ દલીલ કરી હતી કે, માત્ર કોઈ સામાન્ય માણસની અરજી કે ફરિયાદના આધારે ED સીધી રેડ પાડવા આવી જાય તે વાત ગળે ઉતરે તેવી નથી. તેમણે આડકતરો ઈશારો કર્યો હતો કે આ રેડ પાછળ સ્થાનિક રાજકારણ અને મોટા માથાઓની સંડોવણી હોઈ શકે છે, જેમણે ઈરાદાપૂર્વક કલેક્ટરને ફસાવ્યા છે.

સોલંકીના આ નિવેદનો બાદ અનેક સવાલો ઉભા થયા છે. શું ભ્રષ્ટાચારના ગંભીર આરોપોમાં પણ જ્ઞાતિ જોવી જોઈએ? એક તરફ 1500 કરોડ રૂૂપિયાના કથિત કૌભાંડની વાતો વહેતી થઈ છે, સરકારી જમીનો અને સોલાર પ્રોજેક્ટમાં ગેરરીતિના પુરાવાઓ શોધવામાં આવી રહ્યા છે, ત્યારે વિરોધ પક્ષ દ્વારા અધિકારીનો બચાવ કરવો કેટલો યોગ્ય છે? શું કોંગ્રેસ આ મુદ્દે પાટીદાર સમાજની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે?
હાલ તો ED ની તપાસ ચાલુ છે અને દસ્તાવેજોની ચકાસણી બાદ જ ભ્રષ્ટાચારનું સત્ય બહાર આવશે. પરંતુ, નૌશાદ સોલંકીના નિવેદનોએ આ તપાસને ’ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી’ માંથી ’જ્ઞાતિવાદી રાજકારણ’ તરફ વાળી દીધી છે. આવનારા દિવસોમાં તપાસ એજન્સી શું ખુલાસા કરે છે અને રાજકીય આક્ષેપબાજી કઈ દિશામાં જાય છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *