ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સ્થાને ટૂંક સમયમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મુખ્યમંત્રી બનાવાશે તેવી અટકળો, અનુમાનો અને રાજકીય ગોસીપ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વનું નિવેદન આપીને રાજકીય અટકળો, અનુમાનો અને ગોસીપનો છેદ ઉડાડી દીધો છે.
વડોદરાથી શરૂ થયેલા ખેલ મહા કુંભ 2026ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જ હર્ષ સંઘવીએ મંચ પરથી વર્ષ 2030માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સનું ઐતિહાસિક આયોજન કરવાની વાત કરી હતી.
ખેલ મહાકુંભના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાશે. તેમના આ નિવેદનને 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી હોવાની પરોક્ષ ભવિષ્યવાણી તરીકે જોવામાં આવી રહ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્યમાં ખેલ મહાકુંભનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને રમતગમત ક્ષેત્રે ગુજરાતની તૈયારીઓને લઈને ચર્ચા ચાલી રહી છે. સંઘવીના આ વિધાનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારથી તેમની ફ્રન્ટલાઇન કામગીરી અને સરકારના ટ્રબલશૂટરની ભૂમિકાના કારણે ટૂંક સમયમાં હર્ષ સંઘવીને મુખ્યમંત્રી બનાવી આગામી ચૂંટણી તેમના વડપણમાં લડવામાં આવે તેવી અટકળો અને અનુમાનો થઇ રહ્યા હતા પરંતુ હવે ખુદ હર્ષ સંઘવીએ જ આવી અટકળોનો આડકતરો છેદ ઉડાવી દીધો છે.
