મહાનગરપાલિકા એક્શન મોડમાં; કુલ આવક રૂા.171.70 કરોડને પાર
નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા મિલકત વેરા વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના સફળ પરિણામ સ્વરૂૂપે આજે તા. 24 માર્ચના રોજ માત્ર એક જ દિવસમાં શહેરના 1008 જાગૃત કરદાતાઓએ કુલ રૂૂ. 1.34 કરોડનો મિલકત વેરો ભરપાઈ કરી મહાનગરપાલિકાની તિજોરી છલકાવી દીધી છે. આ સાથે જ ચાલુ નાણાકીય વર્ષની મિલકત વેરાની કુલ આવક રૂૂ. 171.70 કરોડના આંકડા પર પહોંચી છે.
માર્ચ માસ દરમિયાન બાકી વેરો વસૂલવા માટે મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ વિવિધ વોર્ડમાં બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. જે મિલકતધારકો લાંબા સમયથી વેરો ભરવામાં આનાકાની કરી રહ્યા છે, તેમની મિલકતો સીલ કરવાની અને ટાંચમાં લેવાની (જપ્તી) પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. કોર્પોરેશનની આ કડક વલણને જોતા બાકીદારોમાં ફાળ પડી છે, જેના કારણે ટેક્સ બારીઓ પર ભીડ જોવા મળી રહી છે.
કરદાતાઓની સુવિધા માટે અને મહત્તમ વસૂલાત થાય તે હેતુથી મહાનગરપાલિકાએ વિશેષ આયોજન કર્યું છે. માર્ચ માસની તમામ જાહેર રજાઓ અને શનિ-રવિની રજાઓમાં પણ મનપાની કેશ બારીઓ તેમજ ઘરવેરા વિભાગની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. નાગરિકો કોઈપણ ખચકાટ વિના રજાના દિવસે પણ પોતાનો વેરો જમા કરાવી શકશે.
મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરના તમામ કરદાતાઓને ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે કે, મિલકત ટાંચ કે સીલિંગ જેવી કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે બાકી રહેતો વેરો સત્વરે ભરપાઈ કરી દેવો. છેલ્લી ઘડીની દોડધામ ટાળવા અને વ્યાજની પેનલ્ટીમાંથી મુક્તિ મેળવવા માટે વહેલી તકે નાણાં જમા કરાવવા હિતાવહ છે.
