ભાવનગરમાં લઠ્ઠાકાંડ??? નકલી દારૂ પીવાથી 3ના મોત, તપાસ SMCને સોંપાઈ

  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી વધુ બે લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે ડુપ્લીકેટ દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત…

 

ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી વધુ બે લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે ડુપ્લીકેટ દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત થયા છે.

ઘટનાને પગલે ભાવનગરમાં અનેક લોકોની તબિયત લથડી છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલમાં 8 અને અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં 9 મળી કુલ 17 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જોકે, દાખલ તમામ દર્દીઓની હાલત હાલ નોર્મલ હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ સમગ્ર મામલે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. 18 ઓગસ્ટની મોડી રાત્રે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક, આઈબીના વડા, અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ભાવનગરમાં નકલી દારૂના વેચાણથી મોત અને લોકોની તબિયત લથડવાના મામલે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવામાં આવી છે. સાથે જ એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલી ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

આ ઘટનાની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે શહેરના ભરતનગર, અકવાડા, તળાજા રોડ ઉપરાંત જિલ્લાના ખાટડી, ખરકડી, નાના ખોખરા અને દેવગાણા ગામના લોકો ડુપ્લીકેટ દારૂ પીવાથી બીમાર પડ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઘોઘાના ખરકડી ગામમાં 16 ઓગસ્ટની રાત્રે સાત મિત્રોએ સાથે મળીને દારૂ પાર્ટી કરી હતી. ત્યારબાદ આ કરૂણાંતિકા સર્જાઈ હતી. મૃતકના ભાઈએ દારૂમાં પોઈઝન હોવાની આશંકા વ્યક્ત કરી છે.બીજી તરફ પોલીસે ડુપ્લીકેટ દારૂનું વેચાણ કરતા ચાર બુટલેગરોને ડિટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને પગલે કલેક્ટરે લોકોને ખાસ અપીલ કરી છે કે રવિવાર અને સોમવારે ડુપ્લીકેટ દારૂનું સેવન કરનાર તમામ લોકો તાત્કાલિક તબીબી તપાસ કરાવે. સમયસર ચેકઅપ કરાવવાથી ગંભીર પરિસ્થિતિને ટાળી શકાય છે.

મૃતકના નામ

કાર્તિક અશ્વિનભાઈ મકવાણા, (ઉ.વ. 40)
ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, (ઉ.વ. 25)
નરેન્દ્રસિંહ યાદવ, રહેવાસી- ઈન્દોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *