રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 10મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.
કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં 12,704 પદવી, 86 ગોલ્ડ મેડલ અને 42 પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યાં હતાં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી સમાજને સુખમય અને સરળ બનાવવા માટે પોતે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરે.
યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત જ્ઞાન દ્વારા જીવનને સંતુલિત બનાવી જ્ઞાનના પ્રકાશથી સમાજને અજવાળવા માટેની પ્રેરણા રાજ્યપાલએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને આપી હતી. રાજ્યપાલએ ડીજી લોકર એપના ડિજિટલ માધ્યમથી વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરી હતી. કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતનો યુવાન જોબ ટેકર નહીં, પરંતુ જોબ ગીવર બને તેવાં સમર્થ યુવાનોનું નિર્માણ દેશમાં અનેક પ્લેટફોર્મ દ્વારા થઈ રહ્યું છે. આ અવસરે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભવિષ્યનાં ભારતને બેનમૂન બનાવવા માટે પોતાનાં પ્રયત્નોનું અર્ધ્ય અર્પવાની જરૂૂરિયાત વિદ્યાર્થીઓ સમક્ષ વ્યક્ત કરી હતી.
કુલપતિ શ્રી ડો.ભરત રામાનુજે પદવીદાન સમારોહની ભૂમિકા બાંધતા જણાવ્યું હતું કે, પદવીદાન સમારોહ એ માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી પરંતુ માતા-પિતાની આશા, સમાજની અપેક્ષાઓની પૂર્તી કરવાની જવાબદારીનો પ્રારંભ છે. પદવીદાન સમારોહમાં કુલ- 86 ગોલ્ડ મેડલ અને 42 પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત 22 સંશોધકોને ઙવ.ઉ. પદવી એનાયત કરવામાં આવી હતી.
આર્ટસમાં 4,638, કોમર્સમાં 2,77, સાયન્સમાં 2,149, રૂૂરલ સ્ટડીઝમાં 1,434, મેનેજમેન્ટમાં 496, એજ્યુકેશનમાં 454 અને કાયદાશાસ્ત્રમાં 138 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમજ મેડિકલ, હોમિયોપેથી, ડેન્ટલ અને નર્સિંગ સહિત આરોગ્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત કરવામાં આવી હતી.
પદવીદાન સમારોહમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જિલ્લા કલેકટર ડો.મનીષકુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનર ડો.નરેન્દ્રકુમાર મીના, કાર્યકારી કુલસચિવ બી.બી.જાની, મહારાણી સમયુક્તાકુમારી ગોહિલ, સંબંધિત વિભાગના ડીન, પ્રોફેસર્સ સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
